વાપીના સલવાવ હાઈવે પર રૂ.૨૮.૪૧ લાખનો દારૂ ભરી જતા આઇશર ટેમ્પાને વલસાડ લોકલ ક્રાઈમ બ્રાંચે પકડી પાડી ચાલકની ધરપકડ કરી હતી. દારૂનો જથ્થો ગોવા સહિત ચાર સ્થળેથી ભરી અમદાવાદ લઈ જવાતો હતો. ટેમ્પા માલિક સહિત ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા. ચાલકને એક ટ્રીપના રૂ.૨૦ હજાર આપવાનું નક્કી કરાયું હતું. મળતી માહિતી મુજબ, વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમી આધારે વાપીના સલવાવ હાઇવે પર વોચ ગોઠવી હતી. તે વેળા સુરત તરફ જતા બાતમી મુજબના આઇશર ટેમ્પાને અટકાવ્યો હતો. ચાલક રાજારામ ઉર્ફે રાજુ જયરૂપારામજી પુરોહિતની પૂછપરછ કરતાં પાર્સલ ભરેલા હોવાનું જણાવ્યું હતું.
પોલીસે ટેમ્પામાં તપાસ કરતા પાર્સલો ભરેલા મળી આવ્યા હતા. પાર્સલ ખોલતા દારૂની પેટીઓ ભરેલી મળી આવી હતી. પોલીસે ટેમ્પામાંથી પાર્સલો ઉતારી તમામ પાર્સલો ખોલતા દારૂની પ૯૨ પેટીઓ મળી આવી હતી. જેની હાથ ધરેલી ગણતરીના અંતે પોલીસે રૂ.૨૮.૪૧ લાખનો દારૂ સહિત કુલ રૂ.૩૩.૪૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાલક રાજારામ પુરોહિતની ધરપકડ કરી હતી. આરોપી રાજારામની પૂછપરછ કરતા પાંચ દિવસ અગાઉ ફારૂક નામના શખ્સે સુરતના કડોદરા બોલાવી આઇશર ટેમ્પામાં કેમિકલ ભરેલા બેરલો ભરાવી ટેમ્પો ગોવાના પણજી ખાતે આવેલી ફેનોલેક્ષ કંપનીમાં ખાલી કરવા જણાવાયું હતું.
ચાલકે ટેમ્પો લઈ જઈ પણજી સ્થિત કંપનીમાં પહોંચી બેરલ ખાલી કરી ટેમ્પા માલિક ફારૂકને ફોન કર્યો હતો. જેથી પણજીથી ફારૂકના માણસે ટેમ્પામાં પાર્સલ ભરાવ્યા બાદ મહારાષ્ટ્રના મનોર, ભીવંડી અને અલીબાગથી પણ પાર્સલો ભર્યા હતા. દારૂનો જથ્થો અમદાવાદ લઈ જવાતો હોવાનું જણાવ્યું હતું. ચાલકને ફારૂકે એક ટ્રીપના રૂ.૨૦ હજાર આપવાનું નક્કી કર્યું હતું. બનાવ અંગે ડુંગરા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી ફારૂક સહિત ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500