વલસાડનાં બલીઠામાં દારૂનો જથ્થો લઈ જતી કાર ટેમ્પો સાથે ભટકાતા ચાલક અને ક્લીનર ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ કારમાંથી દારૂનો જથ્થો પણ મળ્યો હતો. મળતી માહિતી મુજબ, વાપી ટાઉન પોલીસની ટીમ રાત્રી પેટ્રોલિંગમા હતી. તે સમયે બલીઠા ગામે લોકોનું ટોળું જોતા પોલીસ ત્યાં પહોંચી હતી. આ સમયે ઈનોવા કાર તથા ટેમ્પો સામસામે અથડાયા હોવાનું જણાયું હતુ. ત્યારબાદ તપાસ થઈ તો ઈનોવા ગાડીનું બોનેટ ચગાઈ જતા કારનો ચાલક તથા કલીનર અંદર ફસાઈ ગયેલા જણાયા હતા.
જેઓને કાચ તોડીને બહાર કઢાયા હતા. તેમની ઓળખ ગણેશ રમેશ હળપતિ (ઉ.વ.૪૪., રહે.કોલક બંદર ફળિયુ, ઉદવાડા) તથા પંકજ કુમાર નટવરલાલ પટેલ (રહે.પારડી, કોચરવા ફળિયા) તરીકે થઈ હતી. આ બંને જણા લોહીલુહાણ હાલતમાં હતા. તેથી તેઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસે બાદમાં કારમાં તપાસ કરતા અંદરથી ૨.૫૫ લાખનો દારૂ મળી આવ્યો હતો. ઈજાગ્રસ્ત આરોપીના જણાવ્યા પ્રમાણે આ દારૂનો જથ્થો કીરણ છનીયો, નીલીયો ઉર્ફે ઘોડો, ભાવેશ દલવાડાએ ભરાવી આપ્યો હતો. આમ, પોલીસે આરોપી પાસેથી મોબાઇલ ફોન અને ઈનોવા ઉપરાંત ૨.૫૫ લાખનો દારૂ જપ્ત કરી અન્ય ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500