દ્રૌપદી મુર્મુએ દેશનાં પહેલાં આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનવાનો ઈતિહાસ રચ્યો છે. એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ 15માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં યશવંત સિંહાને હરાવીને ખૂબ જ મોટા અંતરથી વિજય મેળવ્યો છે. દ્રૌપદી મુર્મુએ 64 ટકાથી વધુ મત મેળવીને ઈતિહાસ રચ્યો છે. રિટર્નિંગ ઓફિસર પી.સી.મોદીએ સાંસદો અને ધારા સભ્યોના કુલ 6,76,803 મતો સાથે મુર્મુને વિજેતા જાહેર કર્યા હતા. યશવંત સિંહાને 3,80,177 મત મળ્યા હતા. મુર્મુ હવે તા.25મી જુલાઈએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં ઉત્તરાધિકારી તરીકે 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કરશે.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મુર્મુએ ત્રીજા તબક્કામાં કુલ મતોમાંથી 53 ટકા મત મેળવ્યા ત્યારે જ તેમનો વિજય નિશ્ચિત થઈ ગયો હતો. તે સમયે 10 રાજ્યોમાં મત ગણતરી ચાલુ હતી. દ્રૌપદી મુર્મુ આદિવાસી સમાજમાંથી આવે છે ત્યારે રાષ્ટ્રપતિપદે ચૂંટાવાની સાથે મુર્મુએ અનેક રેકોર્ડ બનાવ્યા છે. સ્વતંત્રતા પછી જન્મેલા 64 વર્ષીય દ્રૌપદી મુર્મુ દેશના ટોચના પદે પહોંચનાર સૌપ્રથમ નેતા છે.
વધુમાં મુર્મુ દેશનાં સૌથી યુવાન રાષ્ટ્રપતિ છે. આંધ્ર પ્રદેશમાંથી બધા જ ધારાસભ્યોએ મુર્મુને જ્યારે કેરળના બધા જ ધારાસભ્યોએ યશવંત સિંહાને મત આપ્યા હતા. વિદાય લઈ રહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્રૌપદી મુર્મુને અભિનંદન પાઠવ્યા હતા. આ સિવાય વિરોધ પક્ષનાં રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર યશવંત સિંહા, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, અરવિંદ કેજરીવાલ સહિત વિપક્ષના બધા જ નેતાઓએ મુર્મુને વિજય માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમના વિજય સાથે આખા દેશમાં ઊજવણી કરાઈ હતી.
દ્રૌપદી મુર્મુનાં વિજયની જાહેરાત થતાં વડાપ્રધાન મોદી ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે તેમને અભિનંદન આપવા તેમના ઘરે ગયા હતા. વડાપ્રદાન મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, ભારતે ઈતિહાસ રચી દીધો છે. 130 કરોડ ભારતીય વસતી આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવી રહી છે તેવા સમયે પૂર્વીય ભારતના એક અંતરિયાળ વિસ્તારમાં એક આદિવાસી સમાજમાં જન્મેલી ભારતની પુત્રી રાષ્ટ્રપતિપદે ચૂંટાઈ આવ્યાં છે. આ સિદ્ધિ બદલ શ્રીમતિ દ્રૌપદી મુર્મુને અભિનંદન.
યશવંત સિંહાએ મુર્મુને અભિનંદન આપતા કહ્યું હતું કે, હું રાષ્ટ્રપતિની ચૂંટણી 2022માં દ્રૌપદી મુર્મુને વિજય માટે અભિનંદન પાઠવું છું. દેશને આશા છે કે ગણતંત્રના 15માં રાષ્ટ્રપતિ તરીકે તેઓ કોઈપણ ભય અથવા પક્ષપાત વિના બંધારણના સંરક્ષક તરીકે કામ કરશે. રાજનાથ સિંહે કહ્યું દ્રૌપદી મુર્મુ ગામ, ગરીબ, વંચિતોના લોકકલ્યાણ માટે સક્રિય રહ્યાં છે. આ ભારતીય લોકતંત્રની તાકત છે કે તેઓ આજે તેમનાં વચ્ચેથી નીકળીને સર્વોચ્ચ બંધારણીય પદ સુધી પહોંચ્યા છે.
દ્રૌપદી મુર્મુનાં પૈતૃક ગામ ઓડિશાનાં મયુરભંજ જિલ્લાનાં રાયરંગપુરનાં મહુલડીહામાં લોકોએ ઢોલ, નગારાની ધૂન પર પારંપરિક વેશભૂષામાં નાચ-ગાન કરી તેમના વિજયની ઊજવણી કરી હતી. દેશના 15માં રાષ્ટ્રપતિ માટે 18મી જુલાઈએ યોજાયેલી ચૂંટણીમાં મતદાર યાદીમાં સામેલ 4,796 સાંસદો અને ધારાસભ્યોમાંથી 99 ટકાએ મતદાન કર્યું હતું.
જોકે અનેક રાજ્યોમાં વિપક્ષના ધારાસભ્યોએ પક્ષની લાઈનથી અલગ મુર્મુની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે પાંચ સાંસદોના મત ગેરલાયક ઠર્યા હતા. આ ચૂંટણીમાં આઠ સાંસદો ગેરહાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં જ અનેક પ્રાદેશિક પક્ષોના સમર્થનના પગલે દ્રૌપદી મુર્મુનો વિજય નિશ્ચિત મનાતો હતો.
દેશના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મુનાં સમર્થનમાં 17 સાંસદો તેમજ વિવિધ રાજ્યોની વિધાનસભામાં 103 જેટલા ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું મનાય છે. આસામ, ઝારખંડ અને મધ્ય પ્રદેશ વિધાનસભાઓમાં વિપક્ષના નોંધપાત્ર ધારાસભ્યોએ મુર્મુની તરફેણમાં મતદાન કર્યું હતું. આસામમાં 22, મધ્ય પ્રદેશમાં 20 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું મનાય છે. જોકે, ભાજપે દાવો કર્યો હતો કે દ્રૌપદી મુર્મુને વિપક્ષના 125 ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationડોલવણનાં પદમડુંગરી ગામે આધેડે ઝેર પી આપઘાત કર્યો
November 25, 2024બોટાદમાં એકટીવાની ડીકીમાંથી ઘરેણાની ચોરી થતાં પોલીસ ફરિયાદ કરાઈ
November 25, 2024સિહોરનાં સણોસરા ગામે બાઈક અડફેટે યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું
November 25, 2024જામનગરમાં રાંધણ ગેસનો બાટલો લીક થતાં આગ લાગવાથી ભારે દોડધામ મચી
November 25, 2024