Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત જિલ્લાની આંગણવાડીના ૩૪,૧૩૮ બાળકોને ગણવેશ અને હાઈજિન કીટનું વિતરણ

  • June 30, 2021 

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા રાજ્યકક્ષાનો ગણવેશ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેના ભાગરૂપે આયોજિત સુરત જિલ્લા કક્ષાના ગણવેશ વિતરણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગીતાબેન પટેલના વરદ્દહસ્તે પ્રતિકરૂપે ૯ તાલુકાના બાળકોને ગણવેશ અને હાઈજિન કીટ એનાયત કરવામાં આવ્યાં હતા. જ્યારે જિલ્લાની તમામ આંગણવાડીના ૩ થી ૬ વર્ષના કુલ ૩૪,૧૩૮ બાળકો માટે બે જોડી ગણવેશ સહિત સેનેટાઈઝર બોટલ, માસ્ક, રૂમાલની હાઈજિન કીટથી લાભાન્વિત કરવામાં આવ્યાં છે. કાર્યક્રમમાં આંગણવાડીના નાનકડાં ભૂલકાઓએ સેટકોમ મારફતે સ્વહસ્તે બનાવેલી સર્જનાત્મક કૃતિઓ, ચિત્રો મહાનુભાવોને અર્પણ કર્યા હતા.

 

 

 

 

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આયુષ ઓકે જણાવ્યું હતું કે, આંગણવાડી ભૂલકાઓના જીવન-ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. નાનકડાં બાળકોને ગણવેશ અને હાઈજીન કીટ મળવાથી તેમનામાં નવી ઉર્જા અને શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન મળશે. કોરોનાકાળમાં શાળાકીય શિક્ષણ પર વિપરીત અસર પડી છે. શક્ય હોય ત્યાં સુધી વર્ચ્યુઅલ માધ્યમથી શિક્ષણ પૂરું પાડીને રાજ્ય સરકારે શિક્ષણની યાત્રા અટકે નહીં એની ખાસ કાળજી લીધી છે.

 

 

 

 

સંભવિત કોવિડની ત્રીજી લહેરનો સામનો સાથે મળીને કરીશું તો ખાસ કરીને બાળકોને કોરોનાના કહેરથી બચાવી શકાશે. કોરોના સામે લડવા વેક્સીનથી વધુ અસરકારક હથિયાર બીજું કોઈ નથી. સુરતના ઘણાં આદિવાસી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રસી લેવામાં વિમુખતા જોવા મળી હતી, પરંતુ ૧૮ થી ૪૪ વર્ષની વયજૂથના લોકોના રસીકરણ થવાથી તેમજ લોકજાગૃતિ અભિયાનના પરિણામે રસીકરણના પ્રમાણમાં વધારો નોંધાયો છે, જે આનંદદાયક છે, એમ પણ તેમણે જણાવ્યું હતું. ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહિલા અને બાળવિકાસ મંત્રી ગણપત વસાવા, રાજયમંત્રી વિભાવરીબેન દવે અને વરિષ્ઠ અધિકારીગણ જોડાયા હતા. ઓનલાઈન કાર્યક્રમમાં કલેક્ટર કચેરીથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સુરતના પદાધિકારી-અધિકારીઓ જોડાયા હતાં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application