દેશનાં ઉત્તર અને મધ્યભાગનાં વિસ્તારમાં ગાઢ ધુમ્મસને કારણે સવારના સમયે યાત્રા કરવું ખુબ જ મુશ્કેલ બને છે અને સામાન્ય જનજીવન પર તેની અસર દેખાઈ રહી છે. ગાઢ ધુમ્મસને કારણે અકસ્માતની ઘટના પણ બની છે જેમાં અત્યાર સુધીમાં 17 લોકોએ જીવ ગુમાવ્યા છે, એકલા ઉત્તરપ્રદેશમાં જ 12 લોકોનાં મોત થયા છે. ખરાબ હવામાનના અને ગાઢ ધુમ્મસને કારણે સવારે મોટા ભાગના વિસ્તારોમાં દ્રશ્યતાનું પ્રમાણ શૂન્ય પર રહ્યું હતું.
જેના કારણે અકસ્માતની સંખ્યમાં વધારો થયો હતો. બે દિવસમાં ઉત્તર પ્રદેશથી લઈને પંજાબ તેમજ રાજસ્થાનમાં થયેલા અકસ્માતોમાં કુલ 17 લોકોના મોત થયા હતા, જ્યારે ઓછામાં ઓછા 46 લોકો ઘાયલ થયા હતા. એકલા ઉત્તર પ્રદેશમાં જ 12 લોકોના મોત થયા હતા અને 36 લોકો ઘાયલ થયા હતા. રાજસ્થાનમાં ત્રણ અને પંજાબમાં બે પોલીસકર્મીઓના મોત થયા હતા. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મંગળવારે સવારે 6 વાગ્યા બપોર સુધી વિઝિબિલિટી 50 મીટરથી ઓછી હતી. જયારે દ્રશ્યતા ઓછી હોવાને કારણે 12 ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી.
એર ઈન્ડિયાએ ફોગકેર પ્રોગ્રામ પણ શરુ કર્યો છે જેમાં મુસાફરોને કોઈપણ વધારાના ચાર્જ વગર મુસાફરીની તારીખ બદલી શકે છે અથવા ટિકિટ કેન્સલ કરાવી શકે છે. દિલ્હીમાં રેલવે પર પણ ગાઢ ધુમ્મસની અસર રહી હતી અને 50 ટ્રેનો પણ નિર્ધારિત સમય કરતા મોડી દોડી હતી. હવામાન વિભાગે સેટેલાઇટ તસવીરો જાહેર કરી હતી જેમાં સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાયેલી જોવા મળી રહી હતી. જોકે તસવીરોમાં પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસ જોવા મળી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ત્રણથી ચાર દિવસ સુધી કોઈ રાહત મળશે નહીં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500