Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિજ ચોરીનો દંડ ઘટાડવા રૂપિયા 70 હજારની લાંચ માંગી : ACBએ ચારને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી

  • September 06, 2023 

મુંબઈના થાણે જિલ્લાના કલ્યાણમાં વિજચોરી પ્રકરણે દંડની રકમ ઘટાડવા રૂપિયા 70 હજારની લાંચ સ્વીકારવાના એક કેસમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ મહાવિતરણ (એમએસઇડીસીએલ)ના એક એન્જિનિયર સહિત ત્રણ કર્મચારી અને એક વ્યક્તિ મળી કુલ ચાર જણની ધરપકડ કરી હતી. મહાવિતરણના કલ્યાણ ડિવીઝનના એક 34 વર્ષના આસી. એન્જિનિયરે અંબરનાથના એક રહેવાસીના ફ્લેટમાંથી વિજળીના મીટર સાથે ચેડાં કરવામાં આવતા હોવાનો આરોપ કરી મીટર જપ્ત કર્યું હતું.



તારીખ 28 ઓગસ્ટ સુધીમાં આ મીટર ચેક કર્યા બાદ એન્જિનિયરે આ વ્યક્તિને ત્રણથી ચાર વર્ષથી તે વિજચોરી કરતો હોવાનું જણાવી તેણે વિજચોરીનો દંડ અને પાવરનો વપરાશ મળી કુલ 3થી 4 લાખની રકમ ભરવી પડશે તેવું સ્પષ્ટ કર્યું હતું. આ સાથે જ એન્જિનિયરે એ પણ જણાવ્યું હતું કે, તે દંડ સહિત અન્ય રકમ ઘટાડી આ રકમને એક લાખ સુધી કરી શકે છે પણ તે માટે તેણે 75 હજાર રૂપિયાની રકમ ચૂકાવવી પડશે.



અંતે 75 હજારની લાંચની રકમ ઘટાડીને 70 હજાર કરવામાં આવી હતી. ફરિયાદીને આ રકમ ભરવી ન હોવાથી તેણે થાણે ACBમાં ફરિયાદ કરી હતી. ACBના અધિકારીઓએ સોમવારે અંબરનાથમાં છટકું ગોઠવ્યું હતું અને એન્જિનિયર વતી 70 હજારની રકમ કથિતરૂપે સ્વીકારવા આવેલ 35 વર્ષના એક વ્યક્તિને ઝડપી લીધો હતો. ત્યારબાદ ACBએ એન્જિનિયર સહિત એક જુનિયર ક્લર્ક અને મહાવિતરણના પ્રિન્સિપાલ ટેક્નિશિયનની પણ ગુનામાં કથિત સંડોવણી પ્રકરણે ધરપકડ કરી હતી. આ સંદર્ભે અંબરનાથ પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ સામે  ભ્રષ્ટાચાર નિવારણ કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application