દક્ષિણ ગુજરાતમાં કમોસમી માવઠાના કારણે ૧ લાખ એકર જમીનમાં પાકતા કપાસના પાકને પણ ભારે નુકસાન થતા પોષણક્ષમ ભાવો નહીં મળતા ખેડુતોને ટેકાના ભાવ કરતા પણ ઓછા ભાવ મળી રહ્યા હોવાથી દ.ગુજરાતમાં નિઝર અને વાલીયામાં બે સેન્ટરો શરૃ કરીને કપાસની ટેકાના ભાવે ખરીદવાની માંગ ખેડુતોમાંથી ઉઠી છે.
સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ, મહુવા, ઉમરપાડા સહિત દક્ષિણ ગુજરાતમાં ૧ લાખ એકરથી વધુ જમીનમાં કપાસના પાકનું વાવેતર થાય છે. ખેડુતોને છેલ્લા ઘણા વર્ષોથી પોષણક્ષમ ભાવો પણ મળી રહ્યા છે. પરંતુ આ વર્ષે માવઠાના કારણે છેલ્લે છેલ્લે પાકને નુકસાન થયુ હતુ.
જેને લઇને ખેડુત અગ્રણી જયેશ પટેલે ( દેલાડ) મુખ્યમંત્રીને રજુઆત કરી છે કે આ વર્ષે માવઠાના કારણે પાકને છેલ્લે નુકસાન થતા જેનો લાભ વેપારીઓ ઉઠાવી રહ્યા છે. અને સરકારે કિવન્ટલે( ૧૦૦ કિલો ) એ જે ટેકાના ભાવ ૬૯૭૦ જાહેર કર્યા છે.જયારે હાલમાં વેપારી દ્વારા કિવન્ટલ દીઠ રૃા.૬ હજારથી ૬૫૦૦ માં કપાસ ખરીદી કરી રહ્યા છે.આમ વેપારીઓ ટેકાના ભાવ કરતા ઓછા ભાવે ખરીદી કરી રહ્યા છે.એકબાજુ પાકને નુકસાન થયુ હતુ અને બીજી બાજુ વેપારી પણ ઓછો ભાવ આપતા ખેડુતોને વધારેને વધારે નુકસાન થઇ રહ્યુ છે.
આ કારણે દક્ષિણ ગુજરાતમાં અંદાજે ૧ લાખ એકર જમીનમાં કપાસનો ભાવ થતો હોવાથી ખેડુતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે નિઝર અને વાલીયામાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કપાસ ખરીદીના કેન્દ્વો શરૃ કરીને ખેડુતો પાસેથી ટેકાના ભાવે કપાસ ખરીદાઇ તેવી વ્યવસ્થા કરવા માંગ કરી હતી. આ ઉપરાંત કપાસના પાકમાં નુકસાન થયુ હોવાથી ખેડુતોને કિવન્ટલ દીઠ રૃા.૧૫૦૦ બોનસ તરીકે જાહેર કરવામાં આવે તો કપાસના ખેડુતોને કપરા સમયમાં પોતાના પરિવારને ટકાવી શકે તેમ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500