દિલ્હી હાઇકોર્ટે શાળાઓમાં સ્માર્ટફોન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે, આ વલણ વ્યવહારિક અને ઇચ્છનીય નથી. દિલ્હી હાઇકોર્ટે મોબાઇલ પર પ્રતિબંધ મૂકવાને બદલે વિદ્યાર્થીઓના સ્માર્ટફોનના ઉપયોગને નિયંત્રિત કરવા દિશાનિર્દેશોની રચના કરી છે. ન્યાયમૂર્તિ અનુપ જયરામ ભંભાનીએ જણાવ્યું હતું કે, ટેકનોલોજી શિક્ષણનું અભિન્ન અંગ બની ગયું છે. જેના કારણે સ્માર્ટફોન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો અવાસ્તવિક છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે સ્માર્ટફોન વિદ્યાર્થીઓને પોતાના માતાપિતા સાથે સંપર્કમાં રહેવામાં મદદ કરે છે જેના કારણે બાળકોની સલામતી અને સુરક્ષામાં વધારો થાય છે.
જોકે કોર્ટે વધારે સમય સ્ક્રીન સામે રહેવાનું જોખમ, સોશિયલ મીડિયાના સંપર્કમાં રહેવું અને સ્માર્ટફોનના દુરુપયોગની વાત પણ સ્વીકારી હતી. સ્માર્ટફોન પર પ્રતિબંધ મૂકવાને બદલે તેનો મર્યાદિત ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. દિલ્હી હાઇકોર્ટે પોતાના દિશા નિર્દેશોમાં જણાવ્યું છે કે શક્ય હોય તો શાળાના સમય દરમિયાન વિદ્યાર્થીઓએ તેમના સ્માર્ટફોન જમા કરાવી દેવા જોઇએ. ક્લાસરૂમ, શાળાના વાહનોમાં સ્માર્ટફોનનો ઉપયોગ થવો જોઇએ નહીં. શાળાઓએ ફરજિયાતપણે જવાબદાર ઓનલાઇન વર્તણૂક, ડિજિટલ મેનર્સનું શિક્ષણ આપવું જોઇએ. મનોરંજન માટે સ્માર્ટફોનનો ઉપયોગ થવો ન જોઇએ તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. દિલ્હી કોર્ટના આદેશની નકલ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ), ડિરેક્ટોરેટ ઓફ એજયુકેશન, ગવર્નમેન્ટ ઓફ એનસીટી ઓફ દિલ્હી અને કેન્દ્રીય વિદ્યાલય સંગઠનને મોકલી દેવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500