તાપીના છેવાડાના વિસ્તારમાં આવેલ ઉચ્છલ તાલુકા મથકે રૂપિયા ૬.૮૨ કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી વિનયન કોલેજ-ભવનનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે કોલેજનું વર્ચ્યુઅલ લોકાર્પણ બાદ ઉપસ્થિત સૌને સંબોધતા જણાવ્યું હતું કે, સમાજમા રોટી, કપડા અને મકાનની સાથે સૌથી વધારે જરૂર શિક્ષણની છે. શિક્ષણ એ સમાજના વિકાસ અને સમૃધ્ધિનો પાયો છે. વડાપ્રધાનશ્રીના જ્ઞાનશક્તિના દ્રઢ નિશ્ચયથી રાજ્યમાં શિક્ષણનો મજ્બુત પાયો પ્રસ્થાપિત થયો છે. જેના વડે ગુજરાત આજે સમગ્ર દેશમાં રોલ મોડેલ બની ગયું છે. વનબંધુ, સાગર ખેડુ, ગ્રામિણ કે શહેરી વિસ્તારનો યુવાન હોય સૌને નવા ભારતના નિર્માણમાં યોગદાન આપવા તેઓને શિક્ષિત કરી આગળ વધારવાની ગુજરાત સરકારની નેમ છે. શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી, સ્કોપ, ૨૮૪૧ શિક્ષણ સંસ્થા, કોલેજ, ૫૧ યુનિવર્સીટીની સ્થાપના કરી શિક્ષણના માધ્યમથી ગુજરતના યુવાનને ગ્લોબલ બનાવ્યા છે.
તેમણે યુવાશક્તિના સામર્થ્યમાં વધારો કરવા મુખ્યમંત્રી એપ્રેંટીસ યોજના, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ, પીએચડી માટે સહાય, પાયલોટ બનવાની તાલીમ, સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી માટે વિવિધ સહાય અને યોજનાઓ વિકાસાવી છે. એમ જણાવી યુવાનોમા ઉચ્ચ શિક્ષણનો આંક વધે તે માટે સમગ્ર રાજ્યમાં સરકારી કોલેજો તાલુકા કક્ષાએ શરૂ કરવામાં આવી રહી છે. જે અંન્વયે આજે તાપીના છેવાડાના વિસ્તારમાં આવેલ ઉચ્છલ તાલુકા મથકે રૂપિયા ૬.૮૨ કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી વિનયન કોલેજના ભવનની ભેટ મળી છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં વર્તમાન સરકારે સૌથી વધુ ધ્યાન વનબંધુઓના શિક્ષણ અને રોજગાર માટે આપ્યુ છે.
તેઓના કલ્યાણ માટે વર્લ્ડ કલાસ એજ્યુકેશન ઘર આંગણે મેળવી શકે તે માટે નમો ટેબલેટ, કોલેજ કેમ્પસમા ફ્રી વાયફાય જેવી સુવિધાઓ દ્વારા ગુજરાતના યુવાનોને “નોલેજ ઇઝ પાવર” ની જગ્યા એ “એમ્પાવરીંગ વીથ નોલેજ” કરવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. વર્તમાન સરકારની પ્રાથમિકતા શિક્ષણ છે તેથી જ રાજ્યના બજેટમાં સૌથી મોટું બજેટ ૩૧ લાખ કરોડ શિક્ષણ વિભાગને મળ્યુ છે એમપણ ઉમેર્યું હતું. અંતે મુખ્યમંત્રીશ્રીએ નવી શિક્ષણનીતી દેશમાં આમુલ પરિવર્તન લાવશે એમ વિશ્વાસ અપાવી સૌ વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે સંસ્કૃતિની ધરોહરને જોડી “એમ્પાવર થ્રુ એજ્યુકેશન” દ્વારા દેશને વિકાસની યાત્રામાં આગળ ધપાવવા સંકલ્પબધ્ધ થવા સૌને આહવાન કર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500