વાલોડમાં મંગળવારના રોજ બે જુદાજુદા માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાનો બનાવ વાલોડ પોલીસ મથકે નોંધાયો છે, ગોલણ પાસે ગ્રેડર મશીન અડફેટે બાઈક પાછળ બેસેલા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જયારે બીજા બનાવમાં બાજીપુરા પાસે મજૂરો ભરેલ ટેમ્પો રોડની સાઈડમાં ઉતરી જતા 13 વર્ષીય કિશોરનું મોત નિપજ્યું હતું.
બાજીપુરા પાસે ટેમ્પા માંથી 13 વર્ષીય કિશોર નીચે પટકાતા મોત
મળતી માહિતી અનુસાર,તા.6 જુલાઈ નારોજ વ્યારા પાસે આવેલ બ્રિજનું કલર કામ હોવાથી રાજસિંઘભાઈએ કડોદરાથી 21 જેટલા મજૂરોની મજુરી નક્કી કરી પોતાના કબ્જાનો છોટા હાથી ટેમ્પો નંબર જીજે/15/એવી/0554 માં મજુરોને બેસાડી કડોદરાથી વ્યારા કામના સ્થળે પહોંચી બ્રીજનું કામ પૂર્ણ કરી પાછા વ્યારા થી કડોદરા ખાતે જવા માટે નીકળ્યા હતા. તે સમયે ટેમ્પાનો ડ્રાઈવર પ્રકાશભાઈ અશોકભાઈ રાણા (રહે.ગોલીબાર સ્મશાન ભૂમિ,વલસાડ) એ બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઈવે ઉપરથી પસાર થતા હતા તે દરમિયાન ટેમ્પો પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ આવતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો રોડની નીચે ઉતરી ગયો હતો. જેના કારણે 13 વર્ષીય કરણકુમાર નામનો કિશોર ટેમ્પો માંથી ઉછડીને નીચે પટકાતા તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ 108ની મદદથી કિશોરને વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે કિશોરને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે મૃતક કિશોરના પિતા રમેશભાઈ સુકલાભાઈ આમલીયાર એ ટેમ્પો ચાલક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ગોલણ પાસે ગ્રેડર મશીનની અડફેટે બાઈક પાછળ બેસેલા યુવકનું મોત
વાલોડ-બુહારી ગામના માર્ગ આવેલ ગોલણ ગામ પાસે તા.6 જુલાઈ નારોજ સાંજના અરસામાં ગોલણ ગામના ખાખર ફળીયામાં રહેતા સુજીતભાઈ નરેશભાઈ ચૌધરી (ઉ.વ.30) અને સ્મીતભાઈ દિનેશભાઈ ચૌધરી (ઉ.વ.25), બંને જણા બાઈક નંબર જીજે/26/એમ/9481 લઈને આશ્રમ ફળીયામાં દૂધ ભરી અને શાકભાજી લઈને પરત ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન વાલોડ-બુહારી રોડ પર ગોલણ ગામ તરફ જવાના રસ્તે વળાંક પાસે એક ગ્રેડર મશીન નંબર જીજે/14/એમ/4182 ના ચાલકે પોતાનું મશીન પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ આવી સુજીતભાઈની બાઈકને પાછળથી ટક્કર મારતા બાઈક ચાલક સુજીતભાઈ ચૌધરી નાઓને શરીરે ઈજા પહોચી હતી જયારે બાઈક પાછળ બેસેલ સ્મીતભાઈ ચૌધરી નાઓ ગ્રેડર મશીનના નીચે આવી જવાથી સ્મીતને શરીરે ગંભીર ઈજાઓ પહોચી હતી. ઈજાગ્રસ્ત બંને યુવકોને 108ની મદદથી વાલોડની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી સ્મીત ચૌધરીને વધુ સારવાર અર્થે બારડોલી ખાતે રીફર કરતા ઈમરજન્સી સેવા 108માં બારડોલી લઈ જતી વેળાએ સ્મીત ચૌધરીનું ટુકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે સુજીતભાઈ ચૌધરીની ફરિયાદના આધારે વાલોડ પોલીસે ગ્રેડર મશીનના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. (મનિષા સૂર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500