તમિલનાડુનાં એક મંદિરમાં દલિતોને લગભગ 100 વર્ષો બાદ મંદિરમાં પ્રવેશ મળ્યો છે. આ મામલો તિરુવન્નામલાઈ જિલ્લાનાં ચેલ્લનકુપ્પમ ગામ સ્થિત મરિયમ્મન મંદિરનો છે. જ્યાં ગતરોજ પહેલી વખત મોટી સંખ્યામાં દલિત પરિવારોએ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન દલિતોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. જેના માટે મોટા પ્રમાણમાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. મંદિરમાં દર્શન માટે પ્રવેશ મેળવ્યા બાદ દલિતોનો આત્મવિશ્વાસ વધ્યો છે. ત્યારબાદ તેમણે જણાવ્યું કે, વર્ષોની લડાઈ બાદ ભગવાનના ઘરમાં પ્રવેશ મળવાથી અમે ખૂબ જ ખુશ છીએ. પોલીસે કહ્યું કે, અન્ય સમુદાયના લોકોએ હજુ સુધી કોઈ વિરોધ નથી નોંધાવ્યો. ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ આંદોલનની શરૂઆત જુલાઈમાં મંદિરમાં પ્રવેશને લઈને બે યુવકો વચ્ચેની અથડામણથી થઈ હતી જેના કારણે દલિતો અને વન્નિયારો વચ્ચે અથડામણ જોવા મળી હતી. બંને યુવકો એક દલિત અને એક વન્નિયાર એક જ શાળામાં ભણ્યા અને પછી નોકરી માટે ચેન્નાઈ ગયા. પહેલા તેઓએ દલિતોના મંદિરમાં પ્રવેશના અધિકાર અંગે સોશિયલ મીડિયા પર દલીલ કરી અને જ્યારે તેઓ ગામમાં મળ્યા ત્યારે બંને વચ્ચે ખૂબ જ મારપીટ થઈ. ત્યારબાદ દલિતોએ આ મામલે જિલ્લા મહેસૂલ અને પોલીસ અધિકારીઓને ફરિયાદ કરી હતી અને તેમને મંદિરમાં પ્રવેશની મંજૂરી આપવા વિનંતી કરી હતી.
જે બાદ નિર્ણય લેવામાં આવ્યો કે, બુધવારે દલિતો મંદિરમાં પ્રવેશ કરશે. વેલ્લોર રેન્જના ડીઆઈજી એમએસ મુથુસામીની આગેવાની હેઠળ મોટી પોલીસ ટુકડી ગામમાં તૈનાત કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે, નવદંપતી મંદિરમાં પ્રાર્થના કરે છે અને પોંગલ રાંધે છે. એવી માન્યતા છે કે, તેઓ જે ઈચ્છે તે બધુ તેમને મળી જાય છે. એક 50 વર્ષીય દલિત મહિલાએ કહ્યું કે, આજે અમે ખૂબ જ ખુશ છીએ કે જિલ્લા અધિકારીઓએ અમને મંદિરમાં પ્રવેશવામાં, પ્રાર્થના કરવા, પોંગલ રાંધવામાં અને અમારી પ્રતિજ્ઞા પૂર્ણ કરવામાં મદદ કરી. અત્યાર સુધી દલિતો 30 વર્ષ પહેલા ગામમાં બનાવેલા કાલિયામ્મલ મંદિરમાં પૂજા કરતા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500