Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં ચડતી વખતે મુસાફરોની ભીડ અને ધકામુક્કીનાં લીધે અફડાતફડી સર્જાઇ : એકનું મોત

  • November 13, 2023 

દિવાળી પર્વ અને છઠ્ઠ પુજા તહેવાર નિમિત્તે દર વર્ષેની જેમ આ વર્ષે પણ સુરત શહેરમાંથી હજારો લોકો ટ્રેનો અને બસ મારફત વતન જઇ રહ્યા છે. તેવા સમયે સવારે સુરત રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ  ઉપર તાપ્તી ગંગા ટ્રેનમાં ચડતી વખતે મુસાફરોની ભીડ અને ધકામુક્કીના લીધે અફડાતફડી સર્જાઇ હતી. જેમાં ધક્કામુક્કીમાં બે ભાઇ સહિત ચાર મુસાફરો દબાઇ ગયા અને તેમાં એક યુવકનું મોત થયું હતું, જયારે એક મહિલા સહિત બે મુસાફરોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ સુરતથી ભાગલપુર જવા માટે શનિવારે સવારે સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-4 પર સુરત-ભાગપુર એેક્સપ્રેશ તાપ્તી ગંગા ટ્રેન રવાના થઇ હતી.



દિવાળીને લઈને ટ્રેનમાં ચઢવા માટે ભારે ધસારો થયો હતો. ધક્કામુક્કી કરીને મુસાફરો ઠાંસીઠાંસીને ટ્રેનમાં ચઢી રહ્યા હતા. આ ધમાચકડી વચ્ચે ચાર મુસાફરો ભીડમાં દબાઇ જતા શ્વાસ રૂંધાઈ ગયો હતો અને અર્ધબેભાન થઇ ગયા હતા. રેલવે પોલીસે દબાઇ ગયેલા ચારેય મુસાફરો અંકિતકુમાર વિરેન્દ્રસિંહ (ઉ.વ.28) અને તેનો ભાઇ રામપ્રસાદ (ઉ.વ.32, બંને રહે.ક્રિષ્ના ચેમ્બર્સ, લાલદરવાજા), દૂઇજીબેન રામપ્રસાદ (ઉ.વ.25) અને તેમના પતિ રામપ્રસાદને જેમતેમ બહાર કાઢીને સીપીઆર આપ્યું હતું. આ સિવાય પણ અન્ય ઘણા મુસાફરોના શ્વાસ રૂંધાતા અર્ધબેભાન જેવી હાલત થઇ ગઇ હતી. જેને પગલે રેલવે સ્ટેશન ઉપર ધમાચકડી મચી ગઇ હતી.



દરમિયાન અંકિતકુમાર તથા તેના ભાઈ રામપ્રકાશ તથા દૂઈજીબેનને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે અંકિતકુમારને મૃત જાહેર કર્યો હતો. અંકિતકુમારના પોસ્ટમોર્ટમ બાદ ડોકટરે કહ્યું કે, વિવિધ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ મોતનુ ચોક્કસ કારણ જાણવા મળશે. અંકિતકુમાર મૂળ બિહારના ભાગલપુરનો વતની હતો. હીરાના કારખાનામાં કામ કરતો હતો. તેનો ભાઇ તે જ કારખાનામાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. દિવાળી નિમિત્તે બંને વતન જવા નીકળ્યા હતા પણ એક ભાઇએ જીવ ગુમાવી દીધો છે. જ્યારે અન્ય મુસાફર દુરજીબેન મૂળ ઉત્તરપ્રદેશના ચિત્રકૂટના વતની છે. બનાવ અંગે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application