સુરત શહેરનાં ઓલપાડ તાલુકાનાં ઉમરા ગામે રહેતી સૌરાષ્ટ્રવાસી યુવતીએ સાસરી પક્ષના આઠ ઈસમો તેણીને શારીરિક અને માનસિક ત્રાસ આપી ઘરમાંથી બહાર કાઢી મૂકતા તેણીએ સુરત ગ્રામ્ય મહિલા પોલીસ સ્ટેશનમાં તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, મૂળ સૌરાષ્ટ્રના વતની કમલેશભાઈ ટાંક હાલ ઓલપાડ તાલુકાના ઉમરા ગામે મેટ્રીક ગ્લોબલ વિદ્યાલય પાસે આવેલા શિરડી ધામના મ.નં. ૯૦માં રહે છે. તેમની દીકરી નિશાબેન (ઉ.વ. ૨૮)ના લગ્ન ગત તા.૨૬-૧૧- ૨૦૧૭ના રોજ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાતાળેશ્વર મંદિરની સરદાર સોસાયટીમાં રહેતા કીર્તિ અરજણ કિડેચા સાથે થયા હતાં. લગ્ન બાદ નિશાને જાનકી નામની દોઢ વર્ષની દીકરી છે.
નિશાનો પતિ અમદાવાદ, સાણંદ ખાતે કોસ્મેટિક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હોવાથી બન્ને અમદાવાદ રહેતા હતા. નિશાના આરોપ મુજબ આ સમય દરમિયાન તેની બંને નણંદો, દિયર હિતેશ તેના પતિને ફોન કરી તેના વિરુદ્ધ ખોટી ચઢામણી કરી બંને વચ્ચે લડાઈ-ઝઘડો કરાવતા હતા. જ્યારે સુવાવડ બાદ નિશા ફરી સાણંદ ખાતે આવી, ત્યારે તેના સાસુ-સસરા, દિયર, બંને નણંદો અને નણંદોઈ અવારનવાર ત્યાં આવી નિશાને ગાળો અને અપશબ્દો બોલી અપમાનિત કરી મહેણાં-ટોણાં મારી માનસિક ત્રાસ આપી રહ્યા હતાં. તેનો પતિ પણ પત્નીને મારઝૂડ કરતો હતો. નિશાના આરોપ મુજબ તેના પતિ કીર્તિને કોઈ વિલાસ નામની યુવતી સાથે અફેર હોવાની પોલ મોબાઈલ ફોનમાં ખોલતા તે સમયે તેણે માફી માંગી હતી. જેથી ફરી બંને સાંસારિક જીવનમાં મશગૂલ થતાં તે ફરી પ્રેગ્નન્ટ થઈ ત્યારે પિયર આવ્યા બાદ દીકરાને જન્મ આપ્યો હતો, પરંતુ કમનસીબે તે જીવી શક્યો ન હતો.
ત્યારે સાસરિયાઓ હોસ્પિટલનો ખર્ચ આપ્યા વિના ઝઘડો કરી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ તેના ફુવા સસરાએ સમાધાન કરાવતાં નિશા સાસરે ગઈ ત્યારે તેઓએ પિયરનું કરિયાવર, સોના-ચાંદીના દાગીના લઈ લીધા હતા. ત્યારબાદ નિશા પતિ સાથે સાણંદ આવતા પતિ ઘર ખર્ચ માટે પૈસા ન આપી લડાઈ ઝઘડો કરી મારઝૂડ કરી ગત તા.૧૩-૦૮-૨૦૨૪ના રોજ ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી નિશા દીકરી સાથે ઉમરા ગામે પિયરમાં આવી તેણીએ સુરત મહિલા પોલીસનો સહારો લઇ ગત તા. ૦૮ના રોજ સસરા અરજણ ઉકાભાઈ કિડેચા, સાસુ કિરણબેન, પતિ કીર્તિકુમાર, દિયર હિતેશકુમાર (તમામ રહે. સરદાર પટેલ સોસાયટી, પાતાળેશ્વર મંદિર, તા. ઉના, જિ. ગીર સોમનાથ) તથા મોટી નણંદ દિશાબેન અને નણંદોઈ રવિભાઈ હરેશભાઈ સવનીયા (રહે. હરસિદ્ધિ સોસાયટી, વેરાવળ) તેમજ નાની નણંદ ધૂપલ અને નણંદોઈ દિવ્યભાઈ સરવૈયા (હાલ રહે.દિલ્હી) વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500