દાહોદનાં ઝાલોદ તાલુકાનાં કલજીની સરસવાણી ગામે એક તળાવમાં ન્હાવા પડેલા એક સાત વર્ષિય અને અન્ય એક 12 વર્ષિય બે માસુમ પિતરાઈ ભાઈ-બહેન તળાવના ઉંડા પાણીમાં ડુબી જવાના કારણે બંને બાળકોનાં મોત નીપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાને પગલે સ્થળ પર દોડી ગયેલી પોલીસે બંને બાળકોના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હોવાનું જાણવા મળે હતું.
ગત તારીખ 13નાં જુનના રોજ ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણી ગામે મહુડી ફળિયામાં રહેતાં ભવ્યભાઈ સુરેશભાઈ વસૈયા (ઉ.વ.આશરે 7) અને શ્રૃતિબેન હીંમતભાઈ વસૈયા (ઉ.વ.આશરે 12) આ બંને પિતરાઈ ભાઈ-બહેન ગામમાં આવેલ બસ સ્ટેશનની પાછળ તળાવમાં સવારના અગીયારેક વાગ્યાના આસપાસ ન્હાવા ગયાં હતાં. જ્યાં બંને બાળકો ન્હાતા ન્હાતા તળાવના ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક લોકોને થતાં સ્થાનીક લોકો સ્થળ પર દોડી ગયાં હતાં.
ઘટનાની જાણ બાળકોના પરિવારજનોને થતાં તેઓ પણ સ્થળ પર દોડી ગયાં હતાં. સ્થાનીક તરવૈયાઓની મદદથી બંન્ને બાળકોના મૃતદેહને તળાવના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતાં. બંને બાળકોના મોતને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.ઘટના અંગે સુભાષભાઈ કશનાભાઈ વસૈયાએ ઝાલોદ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500