Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશમાં કોરોનાનાં કેસ ઘટ્યા, મૃત્યુમાં નોંધાયો સામાન્ય વધારો

  • May 16, 2022 

દેશમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. જયારે ગત 4 અઠવાડિયામાં થયેલા વધારા બાદ રવિવારે કેસોમાં આશરે 20 ટકાનો ઘટાડો નોંધાયો હતો. તેમજ દિલ્હી-એનસીઆરમાં પણ કોરોનાનું સંક્રમણ ઓછું થઈ રહ્યું છે. દેશમાં તા.9 થી 15 મે વચ્ચે એટલે કે ગત અઠવાડિયે કોરોનાના 18,500 નવા કેસ નોંધાયા હતા, જ્યારે તેના પહેલા તા.2 થી 8 મે વચ્ચે આશરે 23,000 નવા કેસ સામે આવ્યા હતા. આમ, અઠવાડિયાના આધાર ઉપર કેસ ઘટ્યા છે પરંતુ આ દરમિયાન કોરોના મૃત્યુમાં સામાન્ય વધારો થયો છે. જેમ કે તા.2 થી 8 મે દરમિયાન 20 લોકોના મોત થયા હતા.



પરંતુ તા.9 થી 15 મે દરમિયાન 34 લોકોના મોત થયા હતા જેનું કારણ દિલ્હીમાં થયેલા 16 લોકોનું મોત હતું. જે ગત તા.27 ફેબ્રુઆરી પછીનો રાજધાનીમાં મૃત્યુનો સૌથી મોટો આંકડો છે. દિલ્હીમાં ગત સપ્તાહે સંક્રમણના કેસોમાં 37 ટકાનો ઘટાડો થયો છે. ગત સપ્તાહે દિલ્હીમાં કોવિડ-19ના 6,104 નવા કેસ નોંધાયા હતા. જે તેના આગળના સપ્તાહના 9,694 કેસ કરતાં ઘણા ઓછા છે. આમ કહી શકાય કે દિલ્હી-એનસીઆર તેમજ એનસીઆરમાં રહેલા હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં કોવિડ-19નો પ્રકોપ ઘટી રહ્યો છે.



હરિયાણામાં તા.9 થી 15 મે દરમિયાન કેસની સંખ્યા 28 ટકા ઘટીને 2,593 અને યુ.પી.માં 23 ટકા ઘટીને 1,351 જેટલી નોંધાઈ છે. નવા કેસ ઘટવાના કારણે દેશમાં કોરોનાના સક્રિય કેસ ગત રવિવારે 20,400ની જગ્યાએ ઘટીને 17,300 થઈ ગયા છે. દિલ્હી, હરિયાણા અને યુ.પી. આ ત્રણ રાજ્યોમાં કેસ ઘટ્યા પરંતુ અન્ય રાજ્યોમાં વધ્યા. મહારાષ્ટ્રમાં સાપ્તાહિક સંખ્યા 13 ટકા વધીને 1,562 થઈ ગઈ, જ્યારે કેરલમાં 3,000 નવા કેસ નોંધાયા જે ગત સપ્તાહના 2,516 કરતા વધારે છે.



ગત સપ્તાહ દરમિયાન ગુજરાતમાં 44 ટકા, આંધ્ર પ્રદેશમાં 44 ટકા, મધ્ય પ્રદેશમાં 31 ટકા, તેમજ બંગાળમાં 8 ટકા કેસ વધ્યા છે. આ બધા રાજ્યોમાં કુલ સંક્રમિતોની સંખ્યા હજું ઘણી ઓછી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવારે રજૂ કરવામાં આવેલા કોવિડ રિપોર્ટ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 2,203 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 2,550 લોકો સાજા થયા અને 27 લોકો મોતને ભેટ્યા હતા. દેશમાં સક્રિય કેસોની સંખ્યા 17,317 છે અને સાપ્તાહિક કોવિડ દર 0.59 ટકા છે. રવિવારે દેશમાં 2,487 નવા સંક્રમિતો નોંધાયા હતા અને 13 લોકોનું કોરોનાથી મૃત્યુ થયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application