પાવાગઢ મહાકાળી મંદિરના જૂના પગથિયાંની બાજુમાં સ્થાપિત 500 વર્ષ જુની જૈનોના તીર્થંકર નેમિનાથની પ્રતિમાને ખસેડવાનો વિવાદ ઘેરો બન્યો છે. પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા મૂર્તિ કાઢી લેવામાં આવતા સુરતનો જૈન સમાજ રોષે ભરાયો છે. જૈન મુનિની આગેવાનીમાં રવિવારે રાતથી સુરતના જૈનો સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ ધરણાં પર બેઠાં છે. જ્યાં સુધી ન્યોયિચત પરિણામ નહીં મળે ત્યાં સુધી કલેક્ટર કચેરી પર ધરણાં પર બેઠાં રહેવાનો મક્કમ નિર્ધાર જૈન મુનિએ વ્યક્ત કર્યો છે, જેના પગલે તંત્ર દોડતું થયું છે.
પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા જૈનાના તીર્થંકરની મૂર્તિ ખસેડી લેવાની ઘટનાની જાણકારી રવિવારે બપોરે રાજ્યના જૈન સમાજને થઈ હતી. ત્યાર સુરતમાં મોટી સંખ્યામાં જૈનો ભેગા થયા હતા. સુરતના દિવાળીબાગના જીનપ્રેમવિજયજી મહારાજની આગેવાનીમાં જૈનો કલેક્ટર કચેરી ખાતે રાતથી ધરણાં પર બેઠાં છે. જૈનાચાર્યએ પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અશોક પંડ્યા સામે નારાજગી જાહેર કરી હતી. આ સાથે જૈન મુનિએ આરોપ લગાવ્યો છે કે દ્વેષબુદ્ધિથી કોઈએ મૂર્તિ તોડી પાડી છે. પૂજ્ય જિનાગમ રત્ન મહારાજે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પર પણ આક્રોશ ઠાલવતાં કહ્યું હતું કે, ગુજરાતના જૈન સમાજને હવે રાજ્ય સરકાર અને ગૃહ મંત્રી પર ભરોસો રહ્યો નથી.
પહેલાં પણ સરકાર આજ હતી આજે પણ સરકાર આજ છે. પહેલાં પણ ગૃહમંત્રી આજ હતા અને આજે પણ આજ છે. અમને કોઈ આશ્વાસન ખપે નહીં. પરિણામ આવે પછી અમારી પાસે આવજો. એકરીતે જૈન સમાજના સાધુ-સંતોએ સરકાર સામે બાંયો ચઢાવી છે. સુરત ખાતે ધરણાં પર બેઠેલાં જૈન સમાજના સ્વયંસેવક પ્રફુલ રાઠોડે કહ્યું હતું કે, ગૃહરાજ્ય મંત્રી જૈન સમાજમાંથી આવતા હોવા છતાં માત્ર આશ્વાશન મળી રહ્યાં છે. નક્કર કામગીરી કરવામાં નહીં આવે ત્યાં સુધી સુરત જિલ્લા કલેક્ટર કચેરીથી જૈનો હટશે નહીં. જૈન સમાજના અગ્રણી દીપક જૈને કહ્યું કે, પ્રતિમાઓને પુન:સ્થાપિત કરવામાં આવે એ જ અમારી એક માત્ર માંગ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500