નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એન.સી.ઈ.આર.ટી.)એ 10માં ધોરણનાં પાઠય પુસ્તકમાંથી રસાયણનું પીરિયોડિક ટેબલ હટાવી દીધું હતું. વિદ્યાર્થીઓ પર ભારણ ઓછું કરવાનું કારણ આગળ ધરીને લેવાયેલા આ નિર્ણયની ભારે ટીકા થઈ રહી છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, બાળકોને મૂળભૂત સિદ્ધાંત સમજાવતી માહિતી હટાવવી યોગ્ય નથી. તેનાથી વિજ્ઞાનનો પાયો કાચો રહી જાય છે.
10માં ધોરણના વિજ્ઞાનના પાઠય પુસ્તકમાંથી કેમિસ્ટ્રીનું પીરિયોડિક ટેબલ હટાવાયું છે. બાળકો પર વધારે પડતું ભારણ હટાવવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું એન.સી.ઈ.આર.ટી. કહે છે. પરંતુ આ મહત્ત્વની વિગતો હટાવવાના મુદ્દે વૈજ્ઞાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. બાળકો 10માં ધોરણમાં જો રસાયણની આ મૂળભૂત વિગતો ન શીખે તો આગળ જતાં તેમના અભ્યાસમાં તેની સીધી અસર થશે. રસાયણના તત્વોનો ક્રમ અને તેમની વિશેષતા જેવી ઘણી બાબતો આ પીરિયોડિક ટેબલમાંથી જાણવા મળતી હતી.
આ સિવાય ક્લાઈમેટ ચેન્જ, પાણીની અછત જેવા વિષયો પણ હટાવી દેવાયા હોવાનું જણાયું છે. દુનિયાનાં નાના નાના અણુઓની બનેલી છે અને તેનું બંધારણ કેવું છે તે બધી જ બાબતો મહત્ત્વની છે. એ વિગતો હટાવી દેવાના મુદ્દે શિક્ષણવિદ્, સંશોધકો, એક્સપર્ટ્સે નારાજગી વ્યક્ત કરી હતી. મુંબઈ સ્થિત ટાટા ઈન્સ્ટિટયૂટ સાથે જોડાયેલા એક્સપર્ટ મૈથિલી રામચંદ્રએ કહ્યું હતું, ક્લાઈમેટ ચેન્જ, સંસાધન પ્રબંધન જેવા વિષયો હટાવવાનો નિર્ણય પ્રાસંગિક નથી. વર્તમાન સમયમાં તેની વિશેષ જરૂર છે. જીવાષ્મ અને ઉર્જાના સ્ત્રોતની સમજ મેળવવી વિદ્યાર્થીઓ માટે અનિવાર્ય છે.
કોલકાત્તાની સાયન્સ ઈન્સ્ટિટયૂટના બાયોલોજિસ્ટ અનંદિતા ભદ્રએ કહ્યું હતું કે, નવી નીતિ પ્રમાણે વિદ્યાર્થીઓ ભાર વગર વધારે સવાલો પૂછતા થાય એવો માહોલ બનાવવાનું લક્ષ્ય છે. જોકે, આવા મૂળભૂત સિદ્ધાંતો હટાવી દેવાથી વિદ્યાર્થીઓનું કૂતુહલ ખતમ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પાઠય પુસ્તકમાંથી ચાર્લ્સ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ હટાવી દેવામાં આવ્યો હતો અને તે વખતે પણ વિરોધ ઉઠયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500