Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે પાકિસ્તાન સાથે તમામ પ્રકારના વેપાર વ્યવહાર બંધ કરી દીધા

  • April 28, 2025 

પહલગામમાં આતંકી હુમલો થયા બાદ આતંકીઓને છાવરતું પાકિસ્તાન એક પછી એક મુશ્કેલીમાં મુકાઈ રહ્યું છે. હુમલા બાદ ભારત સરકારે દેશમાંથી પાકિસ્તાનીઓને ખદેડવાની, સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરવા સહિતની કાર્યવાહી કરી છે, તો બીજી તરફ ભારતના વેપાર જગતે પણ દુશ્મન દેશની અર્થવ્યવસ્થા પર આકરો હુમલો કર્યો છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે પાકિસ્તાન સાથે તમામ પ્રકારના વેપાર વ્યવહાર બંધ કરી દીધા છે. વાસ્તવમાં CAIT આગેવાની હેઠળ ભુવનેશ્વરમાં રાષ્ટ્રીય ગવર્નિંગ કાઉન્સિલ બેઠક યોજાઈ હતી, જેમાં પાકિસ્તાન સાથે તમામ પ્રકારનો આયાત-નિકાસ સહિતનો વેપાર બંધ કરવાનો સર્વસંમતીથી નિર્ણય લેવાયો છે.


દેશના 26 રાજ્યોના 200થી વધુ પ્રમુખ વેપારી નેતાઓએ બેઠકમાં ભાગ લીધો હતો, જેમાં તમામ પહલગામ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલી આપવાની સાથે દુઃખની લાગણી વ્યક્ત કરી છે. આ સાથે તમામે હુમલા અંગે રોષ વ્યક્ત કરીને પાકિસ્તાનને મોટો આર્થિક ફટકો આપ્યો છે. CAITના મહાસચિવ અને ચાંદની ચોકના સાંસદ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે, ‘બેઠકમાં પહલગામ હુમલા (Pahalgam Attack)ની કડક નિંદા કરવામાં આવી છે. સાથે જ પાકિસ્તાન સાથેના તમામ વેપારી સંબંધોનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનું આહવાન કરી એક સર્વસંમતી પ્રસ્તાવ પસાર કરાયો છે. પ્રસ્તાવમાં હુમલામાં સામેલ આતંકવાદીઓને કડકમાં કડક સજા આપવાની કેન્દ્ર સરકારને વિનંતી કરી છે.


ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં પુલવામામાં આતંકવાદી હુમલો થયા બાદ બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો ગંભીર રીતે બગડી જતા દ્વિપક્ષીય વેપારમાં ભારે ઘટાડો થયો છે. CAITના ડેટા મુજબ 2018માં બંને દેશો વચ્ચે ત્રણ બિલિયન અમેરિકી ડૉલરનો દ્વિપક્ષીય વેપાર થતો હતો, જે 2024 સુધીમાં ઘટીને લગભગ 1.2 બિલિયન અમેરિકી ડૉલર પર પહોંચી ગયો. જ્યારે એપ્રિલ 2024થી જાન્યુઆરી 2025 વચ્ચે ભારતે પાકિસ્તાનને લગભગ 500 મિલિયન અમેરિકી ડૉલરની કિંમતના સામાનની નિકાસ કરી હતી, જેમાં મુખ્યરુપે દવાઓ, રસાયણો, ખાંડ અને ઑટો પાર્ટ્સ સામેલ હતા. જ્યારે પાકિસ્તાન દ્વારા 0.42 મિલિયન અમેરિકી ડૉલરની આયાત થઈ હતી. સીએઆઈટીના નિવેદન અનુસાર, હવે વેપારીઓએ આ વેપારને સંપૂર્ણ બંધ કરવાનો સંકલ્પ લીધો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application