હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાતની અંદર વાતાવરણમાં સતત છેલ્લા કેટલાક દિવસોથી પલટો જોવા મળી રહ્યો છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આજે ફરી એકવાર વરસાદી ઝાપટા થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા સાથે તાપી જિલ્લાના વ્યારામાં પોણા બે ઇંચ, પલસાણામાં પોણો ઇંચ અને કપરાડામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. વધુ વિગતો મુજબ શહેરમાં વાતાવરણમાં બપોર બાદ અચાનક પલટો આવ્યો હતો આકાશમાં ધસી આવેલા કાળા ડિબાંગ વાદળોથી શહેરમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા જે પૈકી દિલ્હીગેટ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ આવ્યો હતો. તેમજ અન્ય વિસ્તારોની અંદર પણ હળવા ઝાંપટા જોવા મળ્યા હતા. આજે બપોર બાદ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસેલા વરસાદને લઈને ખેડૂતો સૌથી વધારે ચિંતામાં હોય તે પ્રકારનું વાતાવરણ હાલ જોવા મળી રહ્યું છે.
બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો.
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન ના કારણે શિયાળાની શરૂઆતમાં જ વાતાવરણમાં જબરજસ્ત પલટો જોવા મળી રહ્યો છે. એક સપ્તાહના અંદર જે રીતે સુરત શહેર અને જિલ્લામાં વરસાદ ખાબકતા ચોમાસું ફરી શરૂ થઇ ગયું હોય તે પ્રકારનો અનુભવ થઇ રહ્યો છે. શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. પરંતુ, સાથોસાથ બફારો પણ અનુભવાતો હતો.
તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારામાં ૪૪ મી.મી. એટલે કે પોણા બે ઇંચ
જિલ્લામાં પણ આજે સવારથી જ બફારો થઇ રહ્યો હતો. સુરતના પલસાણા તાલુકામાં ૧૮ મી.મી. બારડોલી તાલુકામાં ૨ મી.મી. જ્યારે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારામાં ૪૪ મી.મી. એટલે કે પોણા બે ઇંચ. વલસાડના કપરાડા તાલુકામાં ૩૪ મી.મી. ડાંગ જિલ્લાના આહવા માં ૮ મી.મી. અને સાપુતારા માં ૭ મી.મી. વરસાદ ખાબકયો હતો.જયારે અન્ય તાલુકાઓમાં હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતાં. સતત બદલાતા હવામાનને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું છે. કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. વરસાદને કારણે દક્ષિણ ગુજરાત નો મુખ્ય પાક ઍવા શેરડીના કાપણી ઉપર પણ તેની અસર થઇ રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500