Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા નગરપાલિકાના કલાર્કે ખોટું આવકનું પ્રમાણપત્ર બતાવી આવાસ લાભ લેતા સાત વર્ષની સજા થઈ

  • February 05, 2025 

વ્યારા નગરપાલિકાના કલાર્કે આવાસ યોજનાનો લાભલેવા આવકનું ખોટું પ્રમાણપત્ર મેળવ્યું તેમજ ચીફ ઓફિસર, પ્લાનીંગ સમિતિના પદાધિકારીની ખોટી સહીઓ કરી હતી. આ મામલે સરકાર સાથે વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ તે સમયના ચીફ ઓફિસરે કરી હતી. આ પ્રકરણ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની ધારદાર રજૂઆતોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને ૭ વર્ષની કેદની સજા તથા દંડ ફટકાર્યો હતો.


મળતી માહિતી પ્રમાણે વ્યારા નગરના સીંગી ફળીયાના રહીશ ધીરૂભાઈ નાથુભાઈ ભારતી તારીખ ૧૬-૨-૨૦૦૯ના રોજ વ્યારા નગરપાલિકામાં કલાર્ક તરીકે ફરજ બજાવતા હોય, જેમણે સરકારની ડો.આંબેડકર આવાસ યોજનામાં ખોટી રીતે આવાસનો લાભ મેળવવા વાર્ષિક આવકનું ખોટું પ્રમાણપત્ર મામલતદાર કચેરી વ્યારામાંથી મેળવ્યું હતું. એટલું જ નહી વ્યારા નગરપાલિકાના બાંધકામ શાખામાં રાખવામાં આવતું વિકાસ પરવાનગી ફોર્મની ચોરી કરી પોતે ખોટું તૈયાર કરી તેમાં ચીફ ઓફિસર વ્યારા તથા ચેરમેન ટાઉન પ્લાનીંગ સમિતિઓના પદાધિકારીની ખોટી સહીઓ કરી સરકાર સાથે વિશ્વાસઘાતનો ગુનો કર્યો હતો.


આરોપી ધીરૂભાઈ નાથુભાઈ ભારતી વિરૂદ્ધ ચીફ ઓફિસર એમ.એન.અબ્બાસીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસ વ્યારાની ચીફ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલની રજૂઆતને ધ્યાનમાં લઈ આરોપીને બે ગુનામાં તકસીરવાર ઠરાવી સાત વર્ષની સાદી કેદની સજા તથા રૂ.૨૦૦૦નો દંડ અને દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદ, બીજા એક ગુનામાં પાંચ વર્ષની સાદી કેદ અને રૂ.૨૦૦૦ દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની કેદની સજા ફરમાવતો હુકમ ચીફ જયુ.મેજીસ્ટ્રેટ એન્ડ એડી. સિનિયર સિવિલ જજ જીજ્ઞેશ પટેલ એ કર્યો છે. આરોપીએ તમામ સજા એકસાથે ભોગવવાનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application