Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

‘‘ક્લિન ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયા’’ની પહેલ : દક્ષિણ ગુજરાતમાં સૌ પ્રથમ ઔદ્યોગિક નગરી વાપી ઈ-વાહનોના મેન્યુફ્રેક્ચરનું હબ બન્યું

  • November 07, 2023 

ગુજરાત સરકારના ‘‘વાઈબ્રન્ટ વલસાડ’’ કાર્યક્રમથી વાપીના ઈ-વાહન ઉદ્યોગને મળ્યો વેગ હવા અને અવાજના વધતા પ્રદૂષણને અટકાવી પર્યાવરણની જાળવણીમાં સૌથી શ્રેષ્ઠ ગણાતા ઈલેક્ટ્રીક વાહનો પ્રત્યે લોકોને પ્રોત્સાહિત કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અથાગ પ્રયાસ થઈ રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં સૌ પ્રથમ વલસાડ જિલ્લાની ઔદ્યોગિક નગરી વાપી ખાતે એક એન્જિનિયર યુવકે વર્ષ ૨૦૧૯માં ઓટોમોબાઈલ્સ ક્ષેત્રે સ્ટાર્ટઅપ શરૂ કરી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘‘ક્લિન ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયા’’ના સ્વપ્નને સાકાર કરવા ઈલેક્ટ્રીક વાહનો મેન્યુફ્રેક્ચર કરવાનું શરૂ કર્યુ હતું. ચાર વર્ષના ટૂંકા ગાળા અને કોરોનાના કપરા માહોલમાં પણ હાર નહી માની ઈ- વાહનોનું ઉત્પાદન ચાલુ રાખી અત્યાર સુધીમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના વિવિધ રાજ્યો અને દેશની સરહદને પાર કરી આફ્રિકા દેશમાં પણ ‘‘મેક ઈન ઈન્ડિયા’’નો નારો ગુંજતો કર્યો છે.



જર્મનીની કંપનીમાં મહિને રૂ. સાડા ત્રણ લાખના પગારની નોકરી છોડી વાપીના મિકેનીકલ એન્જિનિયર મનિષ વિજયભાઈ પાટીલે પર્યાવરણના જતન ક્ષેત્રે કામગીરીની શરૂઆત આમ તો વર્ષ ૨૦૧૫માં સોલાર અને પોલ્યુશન વગરના યંત્રો બનાવવાથી કરી હતી પરંતુ વર્ષ ૨૦૧૯માં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘‘ક્લિન ઈન્ડિયા, ગ્રીન ઈન્ડિયા’’ના મંત્રથી પ્રેરિત થઈ ઈ-વાહનનું ઉત્પાદન કરવા રૂ.૫૦ લાખના મુડી રોકાણથી સ્ટાર્ટઅપની શરૂઆત કરી બલીઠામાં ઈલેક્ટ્રો ઈકો મોબિલિટી પ્રા.લિ. કંપનીની સ્થાપના કરી હતી. આજે વર્ષે ૭ કરોડ રૂપિયાનું ટર્ન ઓવર કરવાની સાથે ઈલેક્ટ્રીકલ, મોડ્યુલર, એન્જિનિયર, વેલ્ડર, ફીટર અને એકાઉન્ટન્ટ સહિતની ડિગ્રી ધરાવતા ૩૦થી વઘુ યુવક-યુવતીઓને રોજગારી પણ આપી રહ્યા છે.



તેમના સ્ટાર્ટઅપને બિરદાવી એન્જિનિયર એસોસિએશન ઓફ વાપી દ્વારા તા. ૧૦ એપ્રિલ ૨૦૨૩ના રોજ સન્માન પણ કર્યુ હતું. ઉદ્યોગ સાહસિક મનિષ પાટીલે જણાવ્યું કે, ભાવિ પેઢીને પ્રદૂષણ મુક્ત વાતાવરણ મળે અને વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ તેમજ નોકરી – ધંધો કરતા લોકોના રોજ બરોજના જીવનમાં ઈ-વાહન ઉપયોગી થઈ શકે તે માટે કિફાયતી ભાવે લોકો ઈ- વાહન ખરીદી શકે તે દિશામાં પગલુ ભર્યુ હતું. જે માટે વિદેશોમાં જઈ ટ્રેનિંગ પણ લીધી હતી. આજે ભારતના વિવિધ રાજ્યોમાં ૨૦ થી પણ વધુ આઉટલેટમાં ઈલેક્ટ્રો ઈકો ઈ-બાઈક્સનું વેચાણ થઈ રહ્યું છે. ૫ હજારથી પણ વધુ સંતોષકારક ગ્રાહકોનો બહોળો વર્ગ ધરાવતા હોવાનો ગર્વ છે. શરૂઆતમાં બે મોડલના ઈ-વાહન લોન્ચ કર્યા હતા પરંતુ લોકોની માંગ વધતા ત્યારબાદ સ્કૂટર, બાઈક, કાર અને કોમર્શીયલ વ્હીકલ પીક અપની કેટેગરીમાં ૧૨ મોડલના ઈ-વાહનોની મંજૂરી મેળવી તબક્કાવાર લોન્ચ કર્યા છે.



કેન્દ્ર સરકારે ૩૦ હજાર ઈ-વાહન ઉત્પાદન કરવાની પરવાનગી આપી છે. આ લક્ષ્યને વર્ષ ૨૦૨૪ સુધીમાં હાંસલ કરવા માટે ઉમરગામના પાલી કરમબેલીમાં ત્રણ થી પાંચ એકરની જમીન પર એક લાખ સ્કવેર ફૂટમાં પ્લાન્ટ નંખાશે, જ્યાં વર્ષે ૧૦ હજાર થી ૧૫ હજાર ઈ-વાહન મેન્યુફ્રેક્ચર કરાશે. ૩૦૦ થી ૪૦૦ લોકોને રોજગારી મળશે અને વર્ષે રૂ. ૬૦૦ કરોડનું ટર્ન ઓવર થવાનો અંદાજ છે. જ્યાં બહારની વિદેશી કંપનીઓની ઈલેક્ટ્રીક કારની સરખામણીએ પાંચ સીટરની કાર પણ મેન્યુફ્રેક્ચર કરાશે. જોકે હાલમાં ૩ સીટરની કાર લોન્ચ કરી દીધી છે. ‘‘લોકલ ફોર વોકલ’’ નહીં પરંતુ ‘‘લોકલ ફોર ગ્લોબલ’’નું સૂત્ર ચરિતાર્થ કરવા માટે વાપીમાં બનેલા ઈ-વાહનો યુરોપિયન દેશોમાં પણ એક્સપોર્ટ થાય તે માટે એપ્રુવલ મળી ગયું છે.



જેથી ‘‘મેક ઈન ઈન્ડિયા’’ની બ્રાન્ડ વિદેશોમાં પણ પહોંચશે. ઈ-વાહન ઓટોબાઈલ્સ ક્ષેત્રમાં ગુજરાત એક્સપોર્ટ હબ બનશે. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ વાપી ખાતે યોજાયેલા વાઈબ્રન્ટ વલસાડ થકી પણ આ ઉદ્યોગને બળ મળ્યુ છે. જે બદલ હું ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો પણ આભાર માનુ છું. બોક્ષ મેટર ઈ-વાહનના ઉપયોગથી પર્યાવરણના જતનની સાથે આર્થિક બચત પણ થાય છેઃ મનિષ પાટીલ શરૂઆત મહિને ૧૦૦ ઈ-વાહન બનાવવાથી કરી હતી હાલમાં મહિને ૨૦૦ થી ૩૦૦ વાહનો બનાવી રહ્યા છે. વર્ષે ૩૦૦૦ થી ૪૦૦૦ ઈ- વાહનો ઉત્પાદન થઈ રહ્યા છે.



અત્યાર સુધીમાંથી ૫૦૦૦ થી ૭૦૦૦ ઈ-વાહન મેન્યુફ્રેક્ચર કર્યા છે. આ સિવાય ગુજરાત સરકારની રૂ. ૧૨ હજારની સબસિડી પણ ૭૦૦ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. ૫૦ કિમી થી લઈને ૨૦૦ કિમી સુધીના ઈ-વાહનો બનાવી રહ્યા છે. જેમાં સ્કુટર રૂ. ૭૦ હજારથી, બાઈક રૂ. દોઢ લાખ અને કાર રૂ. ૩ લાખ થી ૫ લાખ સુધી મેન્યુફ્રેક્ચર થઈ રહી છે. પેટ્રોલ-ડિઝલ વાહનની સરખામણીએ ઈ-વાહન પર્યાવરણની તો જાળવણી કરે જ છે પરંતુ સાથે સાથે પેટ્રોલ-ડિઝલ પાછળ થતા ખર્ચની બચત પણ કરે છે. માત્ર દોઢ થી બે વર્ષમાં જ ઈ-વાહનના પૈસા વસૂલ થઈ જાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application