વિઝિટ બુકમાં શાળાના સંસ્કાર અને ઘડતર થકી રાજ્યની સેવા કરવાની તક સાંપડી હોવાનું લખાણ લખી હસ્તાક્ષર કર્યા વલસાડ જિલ્લામાં ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે પધારેલા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વર્ષ ૧૯૬૭માં વલસાડમાં ધોરણ-૧માં જે સ્કૂલમાં પા પા પગલી ભરી હતી તે મુખ્ય કુમાર શાળા (કોઠારી)ની મુલાકાત લીધી હતી. શાળામાં પધારેલા મુખ્યમંત્રીશ્રીનું શાળાની બાળાઓએ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સ્વાગત કર્યું હતું. શાળાની બાજુમાં જ આવેલી વિદ્યામૃત વર્ષણી પાઠશાળાના શ્રી નરેશભાઈ ભટ્ટે વેદોમાં વૈવિધ્ય પુસ્તકો સાથે પરંપરાગત સ્વાગત કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ શ્રી ભટ્ટના ખબર અંતર પૂછ્યા હતા સાથે સ્વાગત કરનાર બાળાઓ સાથે પણ વાર્તાલાપ કર્યો હતો. શાળામાં જઈને તેમણે પોતાના બાળપણના મિત્ર અને સહાધ્યાયી પ્રેયસભાઈ કાપડિયા સાથે બાળપણના સંસ્મરણો વાગોળ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ પોતાની સાથે ભણતા મિત્ર સ્વ. અશોકભાઈ શ્રોફ, કોઠારી સ્કૂલના શિક્ષક છગનભાઇ અને આવાબાઈ સ્કૂલના ભટ્ટ સાહેબને યાદ કર્યા હતા. આ સાથે ગિલ્લી દંડા રમતા હતા તેની યાદો તાજી કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ શાળામાં ધો.૧માં તા.૨૫/૦૭/૧૯૬૭ના રોજ પ્રવેશ મેળવ્યો હતો તે સમયની પ્રવેશ અંગેની વાલી સ્લીપની ફ્રેમ સ્મૃતિભેટ રૂપે આપી હતી. જેમાં મુખ્યમંત્રીશ્રીના પિતા રજનીકાંતભાઈની ઓરિજિનલ સહી વિશે પણ જણાવ્યું હતું.
પોતાની લાગણી વ્યક્ત મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, પિતાજી કોલેજમાં પ્રોફેસર હતા. મારા જીવનની શરૂઆત આ સ્કૂલથી થઈ હતી જેથી આ સ્કૂલ પ્રત્યે વિશેષ લગાવ છે. અહીં ધો. ૧થી ૪ સુધી અભ્યાસ કર્યો છે. વધુમાં વલસાડની ભૌગોલિક પરિસ્થિતિ અંગે મુખ્યમંત્રીશ્રીએ અબ્રામા, તિથલ, કસ્તુરબા સ્કૂલ અને જીવીડી સ્કૂલ વિશે પણ માહિતી મેળવી હતી. રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વલસાડ શહેરના વિકાસ અંગે માહિતી આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ શાળાની વિઝીટ બુકમાં લખ્યું હતું કે, આજે ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત જ્યાં હું ધો.૧ થી ૪ ભણ્યો તે શાળાના સંસ્મરણો વાગોળવાનું સદભાગ્ય મળ્યું. આજે આ શાળાના સંસ્કાર ઘડતર થકી રાજ્યની સેવા કરવાની તક સાંપડી છે તેનો હું ઋણી છું. કહીને હસ્તાક્ષર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500