Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં દેશના સૌથી નાની ઉંમરના બ્રેઈનડેડ બાળકના બંને હાથોનું દાન કરાયું

  • November 02, 2021 

સુરતના કતારગામ ડભોલી ચાર રસ્તા, રામપાર્ક સોસાયટીમાં રહેતા અજયભાઈ કાકડિયાના બ્રિલીયન્ટ વિદ્યાલયમાં ધો.-૧૦માં અભ્યાસ કરતા પુત્ર ધાર્મિકને તા.૨૭ ઓક્ટો.ના રોજ અચાનક ઉલટીઓ થતા અને બ્લડ પ્રેશર વધી જવાને કારણે કિરણ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ન્યુરોફિજીશિયન ડૉ.હીના ફળદુએ સારવાર દરમિયાન સિટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું અને સોજો હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોરે ક્રેનિયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો અને સોજો દૂર કર્યો હતો. પણ ગંભીર હાલતમાં રહેલાં ધાર્મિક સ્વસ્થ થાય એમ ન હોવાથી હોસ્પિટલના ડોક્ટરોએ તેને બ્રેઈનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફ સંસ્થાની ટીમે હોસ્પિટલ પહોંચી ધાર્મિકના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. જેથી ધાર્મિકના માતા-પિતા લલિતાબેન અને અજયભાઈએ તેના અંગોના દાન થકી તેના જેવા બીજા ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો અંગદાન માટે સહર્ષ આગળ વધવા સંમતિ આપી હતી. પરિવારજનો તરફથી મંજૂરી મળતા સંસ્થાના નિલેશ માંડલેવાલાએ પરિવારજનોને સમજાવ્યું કે, દેશમાં ઘણા વ્યક્તિઓના હાથ અકસ્માતે કપાઈ જતા તેઓને સામાન્ય જીવન જીવવામાં ખુબ જ મુશ્કેલીઓ પડતી હોય છે. જો તમે તમારા વ્હાલસોયા દીકરાના હાથોનું દાન કરવાની મંજૂરી આપો તો કોઈકને હાથ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવા હાથ અને નવું જીવન મળી શકે.

 

 

 

 

 

ત્યારે પરિવારના સભ્યોએ ધાર્મિકના હાથનું દાન કરવાની મંજૂરી આપી જણાવ્યું કે, શરીર બળીને રાખમાં મળી જવાનું છે, ત્યારે અમારા બાળકના જેટલા પણ અંગો જરૂરિયાતમંદ દર્દીઓને કામ લાગી શકે તે બધા જ અંગોનું દાન કરાવો. જેથી સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગ.- SOTTO દ્વારા બાળકનું લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને, હૃદય અમદાવાદની સીમ્સ હોસ્પિટલને, ROTTO દ્વારા હાથ મુંબઈની ગ્લોબલ હોસ્પિટલને, NOTTO દ્વારા ફેફસા ચેન્નાઈની MGM હોસ્પિટલમાં ફાળવવામાં આવ્યા. NOTTO દ્વારા આંતરડાના ટ્રાન્સપ્લાન્ટ માટે દેશભરમાં એલર્ટ મુકવામાં આવ્યું હતું. પરંતુ દેશામાં B+ve બ્લડગ્રુપના ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી ન હોવાથી આંતરડાનું દાન થઈ શક્યું ન હોતુ.

 

 

 

 

 

સુરતની કિરણ હોસ્પિટલથી મુંબઈનું ૨૯૨ કિ.મી.નું અંતર ૧૦૫ મિનિટમાં કાપીને ધાર્મિકના બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ પુનાના રહેવાસી વ્યક્તિમાં ડો.નિલેશ સાતભાયા અને તેમની ટીમ દ્વારા મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. આ વ્યક્તિને ત્રણ વર્ષ પહેલા વીજ કરંટ લાગવાને કારણે તેના બંને હાથ અને પગ કપાઈ ગયા હતા. તે પુનામાં એક કંપનીમાં ક્લેરિકલ વિભાગમાં ફરજ બજાવતો હતો. તેના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. મુંબઈમાં હાથનું આ ચોથું ટ્રાન્સપ્લાન્ટ છે. હાથનું ટ્રાન્સપ્લાન્ટ છ થી આઠ કલાકમાં કરવાનું હોય છે, અન્યથા હાથ કામ કરતા બંધ થઈ જાય છે તેથી બંને હાથને સમયસર મુંબઈ મોકલવા માટે સુરત શહેર પોલીસના સહકારથી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો, અને ચાર્ટર વિમાન મારફતે હાથને ૧૦૫ મિનીટમાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલ પહોચાડવામાં આવ્યા હતા.

 

 

 

 

 

દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ પાટણના રહેવાસી ૩૫ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં, ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ આંધ્રપ્રદેશના ૪૪ વર્ષીય વ્યક્તિમાં ચેન્નાઈની MGM હોસ્પિટલમાં, હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ જુનાગઢના રહેવાસી ધો.૧૧માં અભ્યાસ કરતા ૧૫ વર્ષીય વિદ્યાર્થીમાં અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. આ યુવકને છેલ્લા દોઢ વર્ષથી હૃદયની તકલીફ હતી, અને તેના હૃદયનું પમ્પીંગ ૧૦ થી ૧૫ ટકા જેટલું હતું. આંખોનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું. હાથ, હ્રદય અને ફેફસાં સમયસર મુંબઈ, ચેન્નાઈ અને અમદાવાદ પહોંચાડવા માટે સૌપ્રથમ વખત એક જ દિવસમાં ત્રણ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા જેમાં સુરત શહેર પોલીસનો સહકાર સાંપડ્યો હતો. તેમજ અને લિવર સમયસર અમદાવાદ પહોચાડવા માટે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતો. જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો. આમ, સુરતના નાનકડા અંગદાતા બાળકે મૃત્યુ પામીને પણ છ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. સાથોસાથ તેના પરિવારે પણ સાહસિક નિર્ણય લઈ દેશના અન્ય લોકોને અંગદાન માટે પ્રેરણા પૂરી પાડી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application