Rajkot અગ્નિકાંડને લીધે ટીકાઓના ઘેરામાં આવેલી ભારતીય જનતા પાર્ટીના રાજકોટના નેતાઓ સંતોષકારક જવાબો પણ આપી શકતા નથી. ગઈકાલે મોડી સાંજે તેમણે અમુક પત્રકારોને બોલાવી પરિષદ યોજી હતી, પરંતુ ઘણા પત્રકારોએ પૂછેલા સવાલોના જવાબો આપી શક્યા ન હતા. અગ્નિકાંડ સંદર્ભે ભાજપને બહુ દુઃખ થયું છે અને સહાનુભૂતિ વ્યક્ત કરીએ છીએ એવું સાબિત કરવા માટે તેઓએ જાણ કરી કે ચાર જુને પરિણામ આવે જ્યારે અમે કોઈ પ્રકારની ઉજવણી નહીં કરીએ. જીતનો વિશ્વાસ હોવો તે સારી વાત છે.
આ જાહેરાત બે મિનિટમાં પૂરી કરી અને પછી પત્રકારોનો પ્રશ્નનો મારો શરૂ થયો અને પૂછ્યું કે રાજકોટના અગ્નિકાંડમાં માત્ર રાજકોટના જ નહીં પરંતુ બીજા શહેરોમાંથી પણ આવેલા ભૂલકાઓ અને સ્વજનો મૃત્યુ પામ્યા છે તો માત્ર રાજકોટમાં જે તમે ઉજવણી નહીં કરો તો શું બીજી બેઠકો પર ઉજવણી શકે કે કેમ, તેમ પૂછવામાં આવતા સંતોષકારક જવાબ મળ્યા ન હતા.અહીં હાજર પત્રકારોના કહેવા અનુસાર નેતાઓ જે કહે તે સાંભળવું અને સવાલો કરવા નહીં તેવો અભિગમ જણાતો હતો.
Rajkot ના પ્રથમ નાગરિક કહેવાય તે મેયર કોઈપણ પ્રશ્નનો જવાબ ન આપતા પત્રકારો વચ્ચેથી નીકળી જ ગયા હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઠાકરે પત્રકારોને જણાવ્યું કે હું તો સાત મહિનાથી જ હોદ્દા પર છું મારી ક્યાંય સંડોવણી નીકળે તો પક્ષ કહે છે તો રાજીનામું આપવા તૈયાર છું અમે જાતે સ્વૈચ્છિક રાજીનામુ આપી શકીએ નહીં.
મોટી વાત તો એ કે રાજકો બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા તરફથી પણ ખાસ કોઈ નિવેદનો આપવામાં આવ્યા ન હતા. જોકે તેમના ચહેરા પરની નારાજગી સૌની નજરમાં આવી હતી. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ પોતાની વાત કહેવાનું જ યોગ્ય સમજયું હતું, પરંતુ સવાલોના જવાબો તેમની પાસેથી પણ મળ્યા ન હતા. દરમિયાન રાજકોટના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમ છે. હાલ પરિસ્થિતિ એવી છે કે Rajkot અગ્નિકાંડની જ્વાળાઓ ભાજપના દિલ્હી દરબાર સુધી પહોંચી છે. પહેલી તારીખના મતદાન પછી બહુ મોટા નિર્ણયો લેવાય તો નવાઈ નહીં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500