બારડોલી તાલુકાનાં મઢી ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી)ના બીજી ટર્મ માટેના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે વ્યવસ્થાપક સમિતિની બેઠક જિલ્લા રજીસ્ટ્રાર જે.આર.ચારેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં પ્રમુખ તરીકે સહકારી અગ્રણી ભિખાભાઈ ઝેડ. પટેલ અને ઉપપ્રમુખ તરીકે સુરેશ પટેલ (કડોદ) નાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
ખેત ઉત્પન્ન બજારો બાબતના સને 1965ના નિયમ 33(2) મુજબ જિલ્લા રજીસ્ટ્રાર જે.આર. ચારેલના અધ્યક્ષ સ્થાને મળેલી વ્યવસ્થાપક સમિતિની બેઠકમાં બીજી ટર્મ માટેના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં પ્રમુખ તરીકે ભિખાભાઈ ઝવેરભાઈ પટેલના નામની દરખાસ્ત સુરેશભાઈ જગુભાઈ પટેલે મૂકી હતી. જેને ભાવેશભાઈ નગીનભઇ પટેલે ટેકો જાહેર કર્યો હતો અને અન્ય કોઈ દરખાસ્ત નહીં આવતા સભાના અધ્યક્ષ દ્વારા ભિખાભાઈ પટેલને બારડોલી એપીએમસીના બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. ભિખાભાઈ પટેલ સુરત જિલ્લા સહકારી સંઘ ઉપરાંત બારડોલી તાલુકા ખેડૂત સહકારી ખરીદ વેચાણ મંડળી, સ્વરાજ આશ્રમ સહિતની અનેક સંસ્થાઓમાં પ્રમુખ સહિતના હોદ્દાઓ પર બિરાજમાન છે.
ઉપપ્રમુખ તરીકે સુરેશભાઈ જગુભાઈ પટેલના નામની દરખાસ્ત તુષારભાઈ અમૃતલાલ નાયક દ્વારા મૂકવામાં આવી હતી. જેને ભાવેશ પટેલને ટેકો જાહેર કર્યો હતો અને અન્ય કોઈ દરખાસ્ત નહીં આવતા સુરેશ પટેલને સર્વાનુમતે ઉપપ્રમુખ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500