પારિવારિક તકરારના કારણે આવેશમાં આવી જઈ કામરેજની મહિલાએ ઝેરી દવા પીવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બારડોલી ૧૮૧ અભયમ ટીમે મહિલાને આપઘાત કરતા બચાવી લીધી હતી. મહિલાનું કુનેહપૂર્વક કાઉન્સેલિંગ કરતા પરિવાર સાથે સુ:ખદ સમાધાન થયું હતું. કામરેજ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાંથી એક જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરી જણાવ્યુ હતું કે, એક પીડીત મહિલાનો તેમના પતિ અને સાસરી પક્ષનાં સભ્યો સાથે ઝઘડો થયો છે જેથી મહિલા આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી છે. મહિલાને મદદ કરવા ૧૮૧ના કાઉન્સેલર, હેડ કોન્સ્ટેબલ તેમજ પાઈલોટ તાત્કાલિક બારડોલીથી કામરેજ ગામે પહોંચ્યા હતા.
જ્યા મહિલાનાં કાઉન્સેલિંગમાં જાણવા મળ્યુ કે, પીડીતા મહિલાએ ત્રણ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. સંતાનમાં એક દિકરી છે. સાસુ સસરા, જેઠ અને જેઠના બે બાળકો સાથે સંયુક્ત કુંટુંબમાં રહે છે. પીડીતા મહિલા અને સાસુ-સસરા સાથે નાની નાની બાબતોમાં ઝઘડાઓ થતાં હતા. જેઠાણી મૃત્યુ પામ્યા હોવાથી જેઠનાં બે બાળકોની ઉછેરની જવાબદારી પણ નિભાવતા હતા. ઝઘડાઓનાં કારણે અલગ રહેવા જવાના મૃદ્દે પતિ સાથે ફરીવાર તકરાર થઈ હતી. જેથી વાત છુટાછેડા સુધી પહોચી ગઈ હતી. પ્રેમલગ્નનાં કારણે પિયર પક્ષ, સગા માતા-પિતા સાથે મહિનાને સંબંધ રહ્યો ન હતો.
જેથી હવે પોતે ક્યાં જશે એવા ટેન્શનમાં મહિલાએ આવેશમાં આવી આત્મહત્યાનો વિચાર કરી દવા લઈને ઘરનો દરવાજો બંધ કરી રૂમમાં પુરાઈ ગઈ હતી. અભયમ ટીમે પીડીતાનુ કાઉન્સેલિંગ કરતા પીડીતાને ભુલ સમજાઈ હતી. અભયમે પતિ અને સાસરી પક્ષ સભ્યોને સાથે રાખીને ઝીણવટ પૂર્વક સમસ્યા અંગેની ચર્ચા કર્યા બાદ બાળકીનાં ભવિષ્યનાં મુદ્દાને નજર સમક્ષ રાખી લગ્ન જીવન ના તુટે તેવી કાયદાકીય સલાહ, સુચન, માર્ગદર્શન આપીને રાજીખુશીથી સમાધાન કરાવ્યુ હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500