બહુજન સમાજ પાર્ટી (બસપા) પ્રમુખ માયાવતીએ પોતાના ભત્રીજા આકાશ આનંદને પક્ષની તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરતા જણાવ્યું હતું કે, હવે તેમના અંતિમ શ્વાસ સુધી પક્ષમાં તેમનો કોઇ ઉત્તરાધિકારી નહીં હોય. માયાવતીએ આકાશના સસરા અશોક સિદ્ધાર્થને ગયા મહિને પક્ષમાં બરતરફ કરવામાં આવ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. માયાવતીએ આકાશ આનંદની જગ્યાએ તેમના પિતા આનંદ કુમાર અને રાજ્ય સભા સાંસદ રામજી ગૌતમને પક્ષના નેશનલ કોઓર્ડિનેટર બનાવ્યા છે.
આકાશ આનંદને પક્ષના તમામ પદો પરથી દૂર કરતા માયાવતીએ તેના સસરા અશોક સિદ્ધાર્થની ટીકા કરતા જણાવ્યું હતું કે, તેમણે બહુજન સમાજ પાર્ટીને બે ગુ્રપોમાં વિભાજિત કરી છે અને પક્ષને નબળો બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ગયા મહિને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ સિદ્ધાર્થને પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા હતાં. માયાવતીએ સિદ્ધાર્થ પર આકાશ આનંદની રાજકીય કારકિર્દી સમાપ્ત કરવાનો આરોપ મૂક્યો છે. માયાવતીએ ભૂતકાળમાં આકાશ આનંદને પેોતાનો ઉત્તરાધિકારી જાહેર કર્યો હતો. જોકે હવે માયાવતીએ જણાવ્યું છે કે, તેમના જીવિત રહેવા સુધી પક્ષમાં તેમનો કોઇ ઉત્તરાધિકારી નહીં હોય. માયાવતીએ પોતાના ભાઇ આનંદ કુમાર અને રામજી ગૌતમની નેશનલ કોઓર્ડિનેટર તરીકે નિમણૂક કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500