સુરત શહેરની 12 બેઠકો પરથી ચૂંટણીમાં ઝંપલાવનારા ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટીનાં ઉમેદવારોમાંથી સૌથી વધુ ધનવાન, સૌથી ઓછુ ભણેલામાં ઉતર બેઠકનાં ભાજપના ઉમેદવાર કાંતિ બલર છે. માત્ર ત્રણ ચોપડી જ ભણ્યા છે અને સૌથી વધુ રૂપિયા 52.14 કરોડની સંપતિ ધરાવે છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રકિયા પૂર્ણ થવાની સાથે જ ફોર્મ ચકાસણીની પણ કામગીરી પણ પૂર્ણ થઇ છે. ત્યારે છેલ્લા દિવસે જે ઉમેદવારી ફોર્મ ભરાયા હતા તે ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી 12 ઉમેદવારો કરોડપતિ છે. જયારે આપના પાંચ ઉમેદવારો લખપતિ છે.
દરમિયાન અત્યાર સુધીમાં ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી સુરત શહેરની બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ઉમેદવારોમાં સૌથી વધુ ધનવાન સુરત ઉત્તર બેઠકનાં ભાજપનાં ઉમેદવાર કાંતિ બલર છે. તેમની પાસે રોકડ, જવેરાત, સોનુ, શેર, ડિવિડન્ડ અન્ય રોકાણ તેમજ સ્થાવર અને જંગમ મિલ્કત મળીને કુલ સંપતિ રૂપિયા 52.15 કરોડ છે. 2017ની ચૂંટણીમાં તેમની એફીડેવીટમાં તેમનું શિક્ષણ પણ ધોરણ-3 સુધીનું છે જે તેમણે અમરેલીના લાઠી તાલુકાના શાખપુર કુમાર શાળામાંથી સને-1967-68માં પાસ કર્યું હોવાનું દર્શાવ્યું હતું.
જ્યારે હાલમાં 2022ની એફીડેવીટમાં અભ્યાસ ધોરણ-4 પાસ દર્શાવ્યો છે. બે એફીડેવીટમાં સંભવતઃ ટાઇપીંગને ભૂલને લીધે સર્જાયેલા વિરોધાભાને કારણે રમૂજ પણ થઇ હતી કે, 2017 બાદ પાંચ વર્ષ ભણીને ધોરણ-4 પાસ કર્યું હશે.ભાજપના અન્ય ઉમેદવાર સંદિપ દેસાઇની રૂપિયા 9.31 કરોડ, હર્ષ સંઘવીની રૂપિયા 5.39 કરોડની સંપત્તિ છે. જ્યારે કોંગ્રેસના પીઢ ઉમેદવાર ધનસુખ રાજપૂતની રૂપિયા 9.88 કરોડની જ્યારે આપના પીવીએસ શર્માની સંપત્તિ રૂપિયા 7.28 કરોડ છે. આપના અન્ય ઉમેદવાર મહેન્દ્ર નાવડીયા રૂપિયા 2.25 કરોડની સંપત્તિના માલિક છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500