દિલ્હી નગર નિગમના 250 વોર્ડ માટે તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી અને આજે મતગણતરી થઈ. શરૂઆતના ટ્રેન્ડમાં આમ આદમી પાર્ટી આગળ હતી પરંતુ પછી ભાજપ અને AAP વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી અને હવે AAP ને સ્પષ્ટ બહુમતી મળી છે. અત્રે જણાવવાનું કે દિલ્હીમાં 250 નગર નિગમ વોર્ડની ચૂંટણીમાં રવિવારે લગભગ 50.47 ટકા મતદાન થયું હતું. ત્યારબાદ ભાજપ અને AAP એ પોત પોતાની રીતે જીતના દાવા કર્યા હતા. જો કે એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને બહુમત મળે તેવું અનુમાન કરાયું હતું.
તમામ બેઠકોના પરિણામ જાહેર
જાહેર થયેલા પરિણામો મુજબ 104 પર ભાજપ અને આમ આદમી પાર્ટીએ 134 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસને ફાળે 9 બેઠક ગઈ છે અને અપક્ષોએ 3 બેઠક પર જીત મેળવી લીધી છે.
પરિણામ પહેલા AAP નો નવો નારો
દિલ્હી નગર નિગમ ચૂંટણીના આજે પરિણામનો દિવસ છે. એક્ઝિટ પોલમાં આપને બહુમતી મળતી દેખાડ્યા બાદ હવે પાર્ટીના નેતાઓ ખુબ ખુશ છે અને આ બધા વચ્ચે પરિણામ જાહેર થાય તે પહેલા આમ આદમી પાર્ટીએ નવો નારો પણ બહાર પાડી દીધો છે. અચ્છે હોંગે 5 સાલ, MCD મે ભી કેજરીવાલ. ચૂંટણી પરિણામ પહેલા જ આમ આદમી પાર્ટીની ઓફિસ બહાર નવા નારા લખેલા બેનરો લગાવવામાં આવ્યા છે.
દર વર્ષે ચૂંટાય છે મેયર
દિલ્હી નગર નિગમની ચૂંટણી દર 5 વર્ષે થાય છે અને 5 વર્ષ માટે કોર્પોરેટર ચૂંટાય છે. પરંતુ મેયરની ચૂંટણી સીધી રીતે થતી નથી. મેયરની ચૂંટણી કોર્પોરેટરો દ્વારા થાય છે અને દર વર્ષે નવા મેયરની પસંદગી થાય છે. એમસીડી ચૂંટણીમાં જે પાર્ટીને બહુમત મળે છે તેનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. જ્યારે મેયરનો કાર્યકાળ એક વર્ષનો જ હોય છે.
ચૂંટણીના પરિણામ આવ્યા બાદ જે પાર્ટીને બહુમત મળે તેના મેયર બને છે. ચૂંટણીના પરિણામ આવ્યા બાદ જ્યારે સદનની પહેલી બેઠક થાય છે ત્યારે મેયરની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થાય છે. ચૂંટાયેલા કોર્પોરેટરોમાંથી કેટલાક કોર્પોરેટર મેયર પદ માટે નામાંકન કરે છે અને પછી કોર્પોરેટરો જ મેયરની પસંદગી કરે છે. દિલ્હી નગર નિગમ એક્ટ મુજબ દર વર્ષે એપ્રિલમાં પહેલી બેઠકમાં નવા મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી થાય છે.
પહેલું વર્ષ મહિલાઓ માટે અનામત
દિલ્હી નગર નિગમના મેયરનું પદ પહેલા વર્ષ માટે મહિલાઓ માટે અનામત હોય છે. ત્યારબાદ બીજા વર્ષે મેયરનું પદ અનામત હોતું નથી. ત્રીજા વર્ષે મેયરનું પદ અનુસૂચિત જાતિના કોર્પોરેટર માટે અનામત હોય છે. ચોથા અને પાંચમા વર્ષે મેયરનું પદ અનામત રહેતું નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500