જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો પર આતંકી હુમલા વધી રહ્યા છે. જેમાં મે મહિનામાં બે કાશ્મીરી પંડિતોની આતંકીઓએ હત્યા કરી નાખી જ્યારે ટાર્ગેટ કિલિંગની સંખ્યા એક જ મહિનામાં સાતને પાર પહોંચી ગઇ હતી. જેને પગલે હવે આ કાશ્મીરી પંડિતો જે પણ સ્થળે સરકારી નોકરી હાલ કરી રહ્યા છે ત્યાંથી તેમને સુરક્ષીત સ્થળે ટ્રાન્સફર કરવાનો નિર્ણય પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે. જોકે તેમ છતા ઘાટીમાંથી મોટા પ્રમાણમાં કાશ્મીરી પંડિતો હિજરત કરવાની તૈયારી કરી રહ્યા છે.
કાશ્મીરી પંડિતોએ સરકારને યોગ્ય પગલા લેવા માટે 24 કલાકનો સમય આપ્યો હતો, જે પુરો થયા બાદ સમૂહિક રીતે હિજરત કરવાની ચીમકી આપી હતી. જેને પગલે ભીસમાં આવેલા પ્રશાસને આદેશ જારી કર્યો છે કે, જે પણ કાશ્મીરી પંડિતો કે બિનકાશ્મીરી નાગરિકો હાલ ઘાટીમાં સરકારી કામ કરી રહ્યા છે તેઓને આગામી 6 જુનથી સુરક્ષીત સ્થળે પોસ્ટિંગ આપવામાં આવશે.
કાશ્મીરમાં હાલમાં ટાર્ગેટ કિલિંગ વધી રહ્યું છે. જેમાં મંગળવારે જ એક કાશ્મીરી પંડિત શિક્ષિકાની સ્કૂલમાં જ આતંકીઓએ ગોળી મારીને હત્યા નિપજાવી હતી. બીજી તરફ કાશ્મીરી પંડિતોના એક સંગઠને જાહેરાત કરી છે કે, તેઓ ટાર્ગેટ કિલિંગના વધી રહેલા પ્રમાણને કારણે હવે ઘાટીમાંથી સામૂહિક રીતે હિજરત કરવાની તૈયારી કરી રહ્યા છે. કાશ્મીરી પંડિતોના સરકારી કર્મચારીઓના સંગઠને કહ્યું હતું કે, અમે ટ્રકના માલિકોની સાથે વાતચીત કરી લીધી છે. તેઓ સસ્તા દરે અમારો સામાન ટ્રાન્સફર કરવામાં મદદ કરશે.
બીજી તરફ કાશ્મીરી પંડિત શિક્ષિકાની કુલગામમાં થયેલી હત્યાના વિરોધમાં ઘાટીમાં બીજા દિવસે પણ મોટા પ્રમાણમાં પંડિતો અને સરકારી કર્મચારીઓ દ્વારા રેલીઓ કાઢવામાં આવી હતી. જમ્મુમા પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને હત્યાના સિલસિલાનો વિરોધ કર્યો હતો, સરકાર પાસેથી વિશેષ સુરક્ષાની માગણી પણ કરી હતી તેમજ બુધવારે જમ્મુ પઠાણકોટ હાઇવેને વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ જામ કરી દીધો હતો. તેઓએ સાથે એવી પણ માગણી કરી હતી કે શિક્ષિકા રજની બાલાની હત્યા માટે જે પણ અધિકારીઓ જવાબદાર છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે કેમ કે રજની બાલાને સુરક્ષિત સ્થળે ટ્રાન્સફર કરવામાં આ અધિકારીઓ નિષ્ફળ રહ્યા છે.
ભીસમાં આવેલા પ્રશાસને બધા જ હિન્દૂ સરકારી કર્મચારીઓને જે તે જિલ્લાના મથકોમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે. જે પણ કર્મચારીઓ અંતરિયાળ વિસ્તારમાં કામ કરી રહ્યા છે તેમને હવે જિલ્લામાં ટ્રાન્સફર આપવામાં આવશે. બીજી તરફ એવા પણ અહેવાલો છે કે, કાશ્મીરમાં આતંકીઓની સંખ્યા ઘટી રહી છે જેને પગલે ટાર્ગેટ કિલિંગનું પ્રમાણ વધ્યું છે. આતંકીઓ હવે મોટા હુમલાને બદલે એક બે નાગરિકોને નિશાન બનાવીને તેની હત્યા કરી રહ્યા છે. છેલ્લા 20 દિવસમાં જ સાત ટાર્ગેટ કિલિંગની ઘટના સામે આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500