સુરત જિલ્લાનાં પલસાણા તાલુકાનાં તુંડી ગામે ક્રિકેટ રમતી વખતે થયેલ ઝગડાની અદાવત અન્ય સોસાયટીનાં લોકોએ એક સંપ થઇ યુવકના ઘરે હુમલો કરવા ઘસી ગયા હતા. જ્યાં યુવકે તેના પિતાની લાઇસન્સ વાળી રાઇફલથી એક રાઉન્ડ ફાયરીંગ કરતા ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે પોલીસે બંને પક્ષેથી સામસામે ફરીયાદ નોંધી હતી. મળતી માહિતી મુજબ, તુંડી ગામે આવેલી દ્વારકેશ સોસાયટીમાં રહેતા અને મુળ મધ્યપ્રદેશના વિકાશસિંગ રામનરેશસિંગ તોમર (ઉ.વ ૧૯) રવિવારના રોજ તુંડી ગામે આવેલા ગ્રાઉન્ડમાં ક્રીકેટ રમવા ગયા હતા.
જ્યાં તેઓને અન્ય ઇસમો સામે ઝગડો થયો હતો. જેની અદાવત રાખી સ્વયંમ જીતેશગીરી ગોસાઈ, તેમની માતા માયા બહેન ગોસાઈ, કિરણ પ્રકાશ પાટીલ, ધીરજ ગોસાઇ, રાજેશ ઉર્ફે રાજુ ભારતી તથા પ્રેમ સાઈનાથ (તમામ રહે.તુંડી ગામ, ક્રીષ્ણા રેસીડેન્સી) તથા અન્ય ત્રણ ઇસમોએ વિકાસ સિંગ તોમરને લાકડાના સપાટા પડે તેમજ લોખંડના સળીયા વડે માર માર્યો હતો. જેને લઈ વિકાસને સરદાસ હોસ્પિટલ બારડોલી ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ ઝગડા બાદ વિકાસ તેના ઘરે પહોચ્યો હતો. જ્યાં તેની પાછળ ટોળુ તેને મારવા આવી પહોચ્યુ હતુ. જેને લઈ તેણે તેના પિતાની લાઈસન્સ વાળી રાઇફલ વડે એક રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. ત્યારે રાઇફલમાંથી લોખંડના છરા નીકળતા વિકાશ તોમરની બહેન સીતાદેવી, તેમના સગા ધીરેન્દ્રભાઈ તથા ફાયરીંગ કરનાર વિકાશ પોતે ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસે સ્થળે ધસી જઈ કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાને પગલે પલસાણા પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500