ભરૂચનાં ઝનોર ગામે હનુમાન ફળીયામાં રહેતા મંજુલાબેન બાબરભાઈ વસાવા ત્રણ વર્ષથી ઝનોર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે. ગત તારીખ ૩૦ એપ્રિલે ઝનોર ગ્રામ પંચાયતની ઓફીસમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સરપંચ મંજુલાબેન તેમજ ડે.સરપંચ પુષ્પાબેન નિલેશ માછી, અને પંચાયતના સભ્યો બાબર ઈશ્વર વસાવા, દિનેશ રાયસંગ માછી, ધરમવીરસિંહ ભૂપતસિંહ રણા, નિર્મલ શાંતિલાલ સોલંકી, હરીશ દિલીપસિંહ પરમાર, અનિતા રમેશ વસાવા, સુશિલાબેન મોતીભાઈ વસાવા સામાન્ય સભામાં જોડાયા હતા.
સામાન્ય સભા દરમ્યાન કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ચાર વર્ષથી પંચાયતમાં કામ કરનાર યોગેશ કંચન માછીને છેલ્લા એક મહિનાથી છુટા કરી દીધા હતા તેમને પરત લેવા માટે પંચાયતના સભ્યો દિનેશ રાયસંગ માછી અને ધરમવીરસિંહ રણા દ્વારા ઉગ્ર રજુઆતો કરવામાં આવી હતી. સરપંચ અને અન્ય સભ્યોએ તેમને પરત નહીં લેવા માટે ચર્ચા કરી રહ્યા હતા તે વેળા દિનેશ અને ધરમવીરસિંહે ઉગ્ર બોલાચાલી કરવા સાથે સરપંચ આદિવાસી સમાજના હોવાનું જાણતા હોવા છતાં તેમને અપશબ્દો ઉચ્ચાર્યા હતા જેથી સરપંચ અને તેમના પતિ સામાન્ય સભા છોડીને ઘરે જતા રહ્યા હતા.
તે સમયે દિનેશ અને ધરમવીરસિંહે તેમને તમે વસાવા સરપંચગીરી કેવી રીતે કરો છો તે હું જોવુ છુ તેમ કહીને તેમને માર મારવાની ધમકીઓ આપી હતી. આરોપીઓ ગામના જ હોવાથી અને એક જ ગ્રામ પંચાયતના સભ્યો હોવાથી તમામ સભ્યો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ આખરે સરપંચ મંજુલાબેને બંન્ને સભ્યો દિનેશ રાયસંગ માછી તથા ધરમવીરસિંહ ભૂપતસિંહ રણા વિરૂધ્ધ એટ્રોસીટીની કલમ હેઠળ નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500