ભાજપે 195 બેઠક પર ઉમેદવારો જાહેર કરતા રાજનીતિ ગરમાઈ છે. ગુજરાતમાં 15 બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દેવાયા છે. ભાજપના ઉમેદવારોનું લિસ્ટ આવતા જ પ્રચારના પડઘમ શરૂ થઈ ગયા છે. તો બીજી તરફ, વિપક્ષે એક પણ બેઠકના ઉમેદવાર જાહેર કર્યા નથી. ગત રોજ જાહેર કરાયેલા 15 ઉમેદવારોની યાદીમાં 10 સાંસદોને રિપીટ કરાયા છે. ત્યારે હવે સૌની નજર ગુજરાતની બાકી બચેલી 11 બેઠકો પર છે. આ બેઠકો પર ઉમેદવાર ક્યારે જાહેર થશે તેના પર સૌની નજર છે. ત્યારે આ વિશે પણ અપડેટ આવી ગયા છે. ભાજપ આવનારા 10 દિવસની અંદર બાકીના ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. પ્રધાનમંત્રીના 12 માર્ચના કાર્યક્રમ પહેલાં ગુજરાતને તમામ 26 બેઠકો માટે ઉમેદવારો મળી જશે.
ચૂંટણી જાહેર થવા પહેલાં બીજેપી તમામ ઉમેદવારોની જાહેરાત કરશે. મોટી લીડથી જીતવા ભાજપે રણનીતિ બનાવી લીધી છે. ત્યારે બાકી બચેલી બેઠકો પર 6 માર્ચે ફરી મનોમંથન થશે. નવા નામો સાથે મંથન કરવામાં આવશે. આ વચ્ચે આંતરિક સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પીએમ મોદી સુરત અને વડોદરા બેઠક પર ચોંકાવનારો નિર્ણય લઈ શકે છે. સૌરાષ્ટ્રની પણ 4 બેઠક પર ઉમેદવાર ચોંકાવનારા જોવા મળશે. ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર અને જૂનાગઢ બેઠકો પર ઉમેદવારના નામ સરપ્રાઈઝ આપી શકે છે. ગુજરાતની 15 બેઠકોના નામ જાહેર થઈ ગયા છે. ભાજપે લોકસભા જીતવાની રણનીતિ બનાવી લીધી છે. 2024ની વિજયી રણનીતિ સાથે ભાજપે ઉમેદવારોની પસંદગી કરી છે.
ગુજરાતની તમામ 26 બેઠકો પર કબજો કરવાનો ભાજપનો માસ્ટર પ્લાન છે. જીતી શકે તેવા ઉમેદવારોને જ ભાજપે આપી ચૂંટણી લડવાની તક આપી છે. જેમાં પ્રથમ 15 ઉમેદવારોની યાદીમાં 10 સાંસદોને રિપીટ કરાયા છે. તો 5 બેઠકો પર નવા ઉમેદવારોની પસંદગી કરાઈ છે. મનસુખ માંડવિયા-પરસોત્તમ રૂપાલાને અપેક્ષા મુજબ જ લોકસભા લડાવવાનો નિર્ણય લેવાયો છે. બંને PM મોદીના વિશ્વાસુ છે. તો પૂનમ બહેન માડમને પણ ભાજપે ફરી એકવાર તક આપી છે. બનાસકાંઠામાં ભાજપે એક કાંકરે ત્રણ ટાર્ગેટ સર કર્યા. પીઢ પરબતકાકાને કાપી નવા નક્કોર ચહેરા રેખાબેન ચૌધરીને ટિકિટ આપી. મોહન કુંડારિયા અને રમેશ ઘડૂકને નબળી કામગીરી નડી ગઈ છે.
ઉત્તર ગુજરાતમાં ચૂંટણી લડવા ન માગતા ભરત ડાભીને પાટણ બેઠક પર ફરી ટિકિટ અપાઈ છે. ભરૂચમાં મનસુખ વસાવા અને બારડોલીમાં પ્રભુ વસાવા, ખેડાથી દેવુસિંહ ચૌહાણ અને આણંદથી મિતેશ પટેલને પણ ફરી ટિકિટ અપાઈ છે. અમદાવાદ પશ્વિમમાં ડેપ્યુટી મેયર તરીકે બે ટર્મ રહેલા દિનેશ મકવાણાને તક મળી છે. જ્યારે ડો. કિરીટ સોલંકીને વય મર્યાદા નડતા પત્તું કપાયું છે. પંચમહાલ બેઠક પર રતનસિંહ રાઠોડનું પત્તું કપાયું છે અને રાજપાલસિંહ જાદવને ટિકિટ મળી છે. દાહોદ પર જશવંતસિંહ ભાભોરને રિપીટ કરાયા છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ચૌધરીને સ્થાને ચૌધરી ઉતારાયાં છે. મનસુખ વસાવા પર ભાજપે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો નવા ચહેરાઓની સાથે મહિલાઓને પણ પ્રાધાન્ય મળ્યું છે. હવે બાકીના બેઠકો પર સૌની નજર છે. અન્ય 11 બેઠકોના ઉમેદવાર ટૂંક સમયમાં જાહેર થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500