હવાઇ યાત્રા માટેનાં ભાડાંમાં ઘણા મહિનાથી વધારો થયો છે. આમ છતાં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી નિમિત્તે એકાદ સપ્તાહની રજાનો ભરપૂર આનંદ માણવા લોકોમાં ઉત્સાહ વધ્યો છે. જુદી જુદી એર લાઇન્સમાં ટિકિટ મેળવવા ધસારો જોવા મળે છે. એક સર્વેક્ષણ દ્વારા જાણવા મળે છે.
જોકે ઘણા સરકારી અને ખાનગી કંપનીઓનાં કર્મચારીઓ રક્ષાબંધન અને 15, ઓગસ્ટની રજા સાથે આખા અઠવાડિયાની રજા લઇને સપરિવાર એકાદ પર્યટન સ્થળે જવા ઇચ્છે છે. પ્રવાસ પર્યટનની માર્ગ વધવા સાથે એર લાઇન્સનાં ભાડાંમાં પણ વધારો થયો છે. ઉદાહરણરૂપે ગયા મંગળવાર સુધી મુંબઇ-ગોવાનું ભાડું 14,300 રૂપિયા હતું, જે બુધવારે વધીને 15 હજાર રૂપિયા થયું હોવાનું જાણવા મળે છે.
મુંબઇ-કોચીનું ભાડું મંગળવારે 26,500 હતું જે બુધવારે વધીને 28,000 થઇ ગયું. આ સર્વેક્ષણ દ્વારા એવી માહિતી પણ મળે છે કે જે પ્રવાસીઓએ તેમની ટિકિટ બે સપ્તાહ પહેલાં બુક કરી છે તેઓને આ ભાડાં વધારાની અસર નહીં થાય. ઉદાહરણરૂપે 2, ઓગસ્ટ સુધીમાં 40,000 જેટલાં આગોતરાં એર બુકિંગ અને 700 જેટલાં હોટલ બુકિંગ થયાં હતાં.
હાલ ગોવા, રાજસ્થાન હિમાચલ પ્રદેશ, કુર્ગ અને કેરળનાં પ્રવાસ માટે સૌથી વધુ એર અને હોટલ બુકિંગ થાય છે. બીજી બાજુ સહેલાણીઓ વિદેશ પ્રવાસ માટે સિંગાપોર, થાઇલેન્ડ અને દુબઇ જેવાં ઓછા અંતરની હવાઇ યાત્રાનાં સ્થળોએ જવા ઇચ્છે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500