Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હરિયાણા બાદ મહારાષ્ટ્રમાં ભારે વિજય બાદ દિલ્હીમાં પણ ભાજપની વિજય ગાથા શરૂ

  • February 08, 2025 

ભાજપને 2024 લોકસભા ચૂંટણીમાં અપેક્ષિત સફળતા ન મળ્યા બાદ અનેકવાર એવું લાગી રહ્યું હતું કે, હવે ભાજપનો પડતીનો સમય આવી ગયો છે. મોટાભાગના એક્ઝિટ પોલ જણાવી રહ્યાં છે કે, દિલ્હીમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. હરિયાણા બાદ મહારાષ્ટ્રમાં ભારે વિજય બાદ દિલ્હીમાં પણ ભાજપ પોતાની વિજય ગાથા શરૂ રહેતાં ભાજપની પડતીની વાતો ફક્ત ચર્ચા બનીને જ રહી જશે. કારણ કે, દિલ્હીની ચૂંટણી હરિયાણા અને મહરાષ્ટ્ર કરતાં અઘરી હતી. અહીં ભાજપ લોકપ્રિય થઈને પણ હારી રહી હતી. ગત ત્રણ લોકસભા ચૂંટણીમાં ભાજપ દિલ્હીમાં ક્લીન સ્વીપ સાથે રાજ કરતી હતી. જોકે, આ ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપે સાથે અને અલગ લડીને જોઈ લીધું કે, ભાજપની આસપાસ આવવું પણ અઘરૂ છે. વળી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું ઝાડૂ ગત ત્રણ વિધાનસભામાં ચૂંટણીમાં કમળની સફાઈ કરી રહ્યું હતું.


દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારની ફ્રીબીઝ આગળ ભાજપનું આગળ નીકળવું મુશ્કેલ જ નહીં લગભગ અશક્ય જેવું લાગી રહ્યું હતું. પરિસ્થિતિ પણ ભાજપ તરફી નહતી. અરવિંદ કેજરીવાલની પરિસ્થિતિમાં જ ઝારખાંડમાં હેમંત સોરેન સામે ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં દિલ્હીમાં ભાજપની જીત પથ્થર પર કમળના ખીલવા બરાબર છે. ચાલો જોઈએ કે, રાષ્ટ્રીય રાજકારણમાં દિલ્હીમાં ભાજપની જીતના શું પ્રભાવ પડશે?  લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં ઘટાડો શરૂ થઈ ગયો છે. હરિયાણા અને મહારાષ્ટ્ર પછી, જો ભાજપ દિલ્હીમાં પણ કેસરિયો લહેરાવવામાં સફળ થાય છે, તો એ વાત નક્કી છે કે ફરી એકવાર માની લેવામાં આવશે કે,  નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ નથી.


બે દિવસ પહેલાં જ લોકસભામાં બોલતી વખતે નરેન્દ્ર મોદીએ સંકેત આપ્યો હતો કે, દેશની સેવા કરવા માટે મારી પાસે હજુ ઘણાં વર્ષો બાકી છે. આ મારો ત્રીજો કાર્યકાળ છે અને જો જરૂર પડશે તો હું દેશની સેવા કરતો રહીશ'. સ્વાભાવિક છે કે, તેમના નિવેદનથી સંકેત મળે છે કે, તેઓ 2029ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ પણ કરી શકે છે. દિલ્હીની ચૂંટણી જીત્યા બાદ, ભાજપમાં કોઈ તેમને પડકારવાની હિંમત નહીં કરે. તેના બદલે, પાર્ટીની મજબૂરી હશે કે, મોદી જેવા ચૂંટણી વિજેતા નેતાને અત્યારે નિવૃત્ત કરવાની કોઈ જરૂર નથી. તાજેતરના ભૂતકાળમાં ઘણી વખત એવું લાગતું હતું કે, RSS અને ભાજપ વચ્ચેનું અંતર વધી ગયું છે અથવા સરકાર પર RSS ની દખલગીરી વધી શકે છે.


પરંતુ, દિલ્હીમાં વિજય ફરી એકવાર નરેન્દ્ર મોદીને એટલા મજબૂત બનાવશે કે, કોઈપણ સંગઠન માટે તેમને પડકારવાનું મુશ્કેલ બનશે. 2024ની ચૂંટણીમાં ભાજપના નબળા પ્રદર્શન બાદ, કોંગ્રેસને લાગવા લાગ્યું કે તે એકલા મોદી સરકારનો સામનો કરી શકશે. આ જ કારણ હતું કે, ઈન્ડિયા ગઠબંધન વેરવિખેર થવાની વાતો થઈ રહી હતી. કોંગ્રેસના અતિશય ઉત્સાહનું પરિણામ એ આવ્યું કે પ્રાદેશિક પક્ષો તેમના અસ્તિત્વ વિશે વધુને વધુ ચિંતિત થવા લાગ્યા. સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના યુબીટી, આમ આદમી પાર્ટી જેવા પક્ષો કોંગ્રેસથી અલગ રહીને પોતાના અસ્તિત્વ અંગે સભાન બન્યા. પરંતુ, દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર બાદ, ફરી એકવાર વિપક્ષને લાગશે કે, ભાજપને એકલા હરાવવું અશક્ય છે. તેથી, ફરી એકવાર ઈન્ડિયા ગઠબંધનને મજબૂત બનાવવાના પ્રયાસો શરૂ થઈ શકે છે. પરંતુ, શક્ય છે કે આ વખતે કોંગ્રેસનો પહેલા જેવો દબદબો ન રહે. દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ એવું પણ બની શકે કે, કોંગ્રેસને દિલ્હીમાં આઠથી દસ ટકા મત મળે.


જો આવું થાય છે તો દિલ્હીમાં તો આમ આદમી પાર્ટીની હાર થશે પરંતુ, પંજાબ જેવા રાજ્યોમાં કોંગ્રેસની મજબૂતીનો રસ્તો ખુલી શકે છે. જો દલિત અને મુસ્લિમના અમુક મત પણ કોંગ્રેસ હાંસલ કરવામાં સફળ થાય છે તો ભવિષ્યમાં દલિતોના મત પણ કોંગ્રેસ સાથે જોડાઈ શકે છે. આ પ્રકારે કોંગ્રેસના મજબૂત થવાથી અનેક સ્થાનિક પાર્ટીનું અસ્તિત્વ જોખમમાં મૂકાશે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બિહારમાં જેડીયુ માટે પણ જોખમ ઉભું થશે. દેશની સસંદમાં અનેક બિલ એવા છે, જે પાસ થવાની રાહ જોઈ રહ્યાં છે. પરંતુ, ભાજપ તેને સંસદીય સમિતિ પાસે મોકલી રહી છે. બીજા શબ્દોમાં કહી તો પાર્ટી જાણી જોઈને ટાઇમ પાસ કરી રહી છે. પરંતુ જ્યારે જનતામાં પાર્ટીની લોકપ્રિયતા ટોચ પર હશે તો ભાજપ આ તમામ બિલને પાસ કરવાનો સાહસ એકઠો કરી શકશે. સહયોગી પાર્ટીને પણ લાગવું જોઈએ કે, અમે જેની સાથે છે જનતા પણ તેમની સાથે છે. દિલ્હીની જીત બાદ એક દેશ-એક ચૂંટણી અને વક્ફ બોર્ડ સંશોધન બિલ જલ્દી પાસ કરવા માટે પાર્ટી સક્રિય થઈ શકશે.


લોકસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ભાજપના ચૂંટણી પ્રચારથી દૂરી બનાવી લીધી હતી. હકીકતમાં, ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડાની એ વાત સંઘને અસર કરી ગઈ હતી, જેમાં નડ્ડાએ ઈશારો કર્યો હતો કે, હવેસ ભાજપને સંઘના ટેકાની જરૂર નથી. લોકસભા ચૂંટણીમાં ભાજપને અપેક્ષિત સફળતા ન મળવાની પાછળ આ કારણ સામે આવ્યું હતું કે, સંઘે ભાજપના પ્રચારથી દૂરી બનાવી લીધી હતી. ત્યારબાદ હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં આરએસએસ સંપૂર્ણ રીતે સક્રિય રહી છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પણ સંઘે ઘણી મહેનત કરી હતી. અહેવાલો અનુસાર, દિલ્હીમાં સંઘે મતદાન પહેલાં આશરે 50 હજાર ડ્રાઇંગ રૂમ ચર્ચા કરી હતી. આ ચર્ચામાં મધ્યમ વર્ગના લોકોના ઘરમાં જઈને સમજાવવામાં આવ્યું કે, કેમ ભાજપને ફરી જીતવું જરૂરી છે. આ લોકોને એ માટે તૈયાર કરવામાં આવ્યા કે, તે ખુદ તો મતદાન કરવા જાય પરંતુ, બીજાને પણ બૂથ સુધી લઈ જાય. સ્પષ્ટ છે કે, હવે સંઘની શક્તિની સમીક્ષા થશે કે, પાર્ટી અને સંઘ વચ્ચે કેટલી નિકટતા અથવા કેટલી દૂરી હોવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application