Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ દારૂના અડ્ડાઓનું એપી સેન્ટર : નગર સહિત તાલુકામાં ઠેરઠેર ધમધમતા દારૂના અડ્ડાઓ, જાણો આજનો લેટેસ્ટ ભાવ ..!

  • May 27, 2021 

ગુજરાતમાં આમ તો દારુબંધી છે, પરંતુ તેનો અમલ કેટલો થાય છે તે બધાને ખબર છે. માત્ર તાપીના સોનગઢની જ વાત કરીએ તો નગર સહિત તાલુકાના અનેક વિસ્તારોમાં ધમધમતા ઈંગ્લીશ દારૂ અને દેશી દારૂના અડ્ડાઓ દારુબંધીના કાયદાના લીરેલીરા ઉડાવી રહ્યા છે.

 

 

 

 

મહારાષ્ટ્ર રાજ્યની હદને અડીને સોનગઢમાં દારૂ બંધી જાણે હવે માત્ર કાગળ પુરતી જ હોય તેમ લાગે છે. નગર સહીત તાલુકાભરમાં ઠેર ઠેર દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે અને પોલીસ એકાદ બે કેસ કરી પોતાની પીઠ થપથપાવે છે.

 

 

 

 

અંગત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગુજરાતમાં સરકાર દ્વારા દારૂબંધીની વાતો કરવામાં આવી રહી છે પરંતુ ખાસ કરીને સોનગઢ નગર સહિત તાલુકાના વિસ્તારોમાં ખુલ્લેઆમ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે અને જાહેરમાં તેનું વેચાણ પણ કરવામાં આવતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અનેક વિસ્તારો એવાં છે જ્યાંથી સ્થાનિક પોલીસના દરરોજના આંટાફેરા હોવા છતાં બુટલેગરોને પોલીસનો પણ ડર ન હોય તેમ લાગી રહ્યું છે અને બિન્દાસ દેશી દારૂ બનાવી તેનું વેચાણ થઈ રહ્યું હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

 

 

 

 

પોલીસના પેટ્રોલિંગ અને સુરક્ષાના દાવા વચ્ચે વર્ષોથી વકરી રહેલી બદી હટતી જ નથી !!

સ્થાનીક પોલીસ તંત્ર દ્વારા અનેક વિસ્તારોમાં પેટ્રોલીંગ અને સુરક્ષાની વાતો કરવામાં આવે છે પરંતુ ક્યાંકને ક્યાંક દેશી દારૂની અસામાજીક પ્રવૃત્તિઓ રોકવામાં પોલીસ તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. જ્યારે દેશી દારૂની ભઠ્ઠી સહિત તેના વેચાણ માટે નિયમીત બુટલેગરો દ્વારા પોલીસને મોટી રકમના હપ્તાઓ આપવામાં આવતાં હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

 

 

 

 

 

દેશી દારૂના વ્યસનથી યુવાધન સહિત અનેક પરિવારો બરબાદી તરફ

સામાન્ય રીતે દેશી દારૂ બનાવવામાં વપરાતો આથો ગોળ-મહુડાનું રસાયણ સહિતનો મુદ્દામાલ ખુબ જ હલકી ગુણવત્તાનો વાપરવામાં આવે છે અને અનેક પ્રક્રિયાઓ બાદ દેશી દારૂને ઉતારવામાં આવતો હોય છે ત્યારે આ પ્રકારના દેશી દારૂના વ્યસનથી યુવાધન સહિત અનેક પરિવારો બરબાદી તરફ જઈ રહ્યાં છે જેમાં આ વ્યસન બાદ ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોમાં ઘરકંકાશ સહિતના નાના-મોટા ઝઘડાઓ બનતા હોય છે અને તેનો ભોગ સમગ્ર પરિવાર બને છે.

 

 

 

 

 

એવું પણ નથી કે પોલીસ બિલકુલ જ કાર્યવાહી નથી કરતી..!

તાપી જિલ્લાના સોનગઢ નગર સહિતના વિસ્તારમાં ખુલ્લેઆમ ઈંગ્લીશ દારૂ/દેશી દારૂની હાટડીઓ ધમધમી રહી છે. બુટલેગરો અને તેમનાં સાગરીતો દ્વારા જરૂરીયાત મુજબનો દેશી દારૂ બનાવવામાં આવતો હોય છે જેમાં સામાન્યથી લઈ વધુ નશો ચડે તે પ્રકારની અલગ-અલગ ક્વોલીટી ધરાવતો દેશી દારૂ પણ બનાવવામાં આવતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એવું પણ નથી કે પોલીસ બિલકુલ જ કાર્યવાહી નથી કરતી, કરે છે પરંતુ દેશી દારૂના અડ્ડાઓ પર માત્ર ૧ લીટરથી લઈને ૫-૧૦ લીટરના ૪ થી ૫ કેસ દરરોજ કરી રહી છે. દબાણ વધુ હોય તો ૪-૫ બોટલો સાથે ઈંગ્લીશ દારૂનો કેસ કરી પોતાની પીઠ થપથપાવે છે.દેશી દારૂનું વેચાણ કરતાં બુટલેગરો રૂા.૧૦ થી લઈ રૂા.૫૦, ૧૦૦ની એક બોટલ અને વધુ જરૂરીયાત હોય તો દેશી દારૂનું ૫ લીટરનું કેન પણ ભરી વેચાણ કરતાં હોવાનું બહાર આવ્યું છે જ્યારે અમુક દેશી દારૂની હાટડીઓ પર વ્યસનકારોને દેશી દારૂ સાથે બાઈટીંગ અને બેસવાની સુવિધાઓ પણ પુરી પાડવામાં આવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

 

 

 

 

 

 

સોનગઢ દારૂના અડ્ડાઓનું એપી સેન્ટર

સોનગઢમાં દેશી દારૂની હાટડીઓ અને વેચાણ બંધ કરવા જાગ્રત નાગરિકો દ્વારા રજુઆતો કરવામાં આવે છે પરંતુ પોલીસ તંત્ર દ્વારા રેઈડ અંગે અગાઉથી જ બુટલેગરોને જાણ કરી દેવામાં આવતી હોય છે અને રેઈડ પહેલા જ મોટી રકમનો મુદ્દામાલ સગેવગે કરી નાંખવામાં આવે છે જ્યારે પોલીસના ચોપડે માત્ર નજીવી રકમનો મુદ્દામાલ બતાવી બુટલેગરોને ઈરાદાપૂર્વક ભગાડી દેવામાં આવતાં હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. સોનગઢ નગરના રહેણાંક વિસ્તારો કે જ્યાંથી પોલીસ સ્ટેશન ખુબ જ નજીક હોવા છતાં બુટલેગરો દ્વારા ખુલ્લેઆમ દેશીદારૂ અને ઈંગ્લીશ દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.જોકે હવે કેટલાક અડ્ડા વાળાઓએ પાર્સલની સુવિધા પણ ચાલુ કરી હોવાનું જાણવા મળ્યું છે. આમ સોનગઢમાં દેશી દારૂની બદીએ માઝા મુકી છે છતાં તંત્ર સબ સલામત હોવાના દાવાઓ કરી રહ્યું છે.

 

 

 

 

 

સોનગઢ નગરમાં દારૂના અડ્ડાઓ પર મળતો દારૂનો આજનો લેટેસ્ટ ભાવ

(1) શાકભાજી માર્કેટ પાસે મળતો દારૂનો ભાવ : ડીએસપી વિસ્કી કોટરના-૨૪૦ રૂપિયા, આઇબીના ૨૫૦ રૂપિયા, બીયરના ૨૫૦ અને દેશીદારૂ સંતરાના ૧૦૦ રૂપિયા અને દેશીદારૂ ફૂલ ગ્લાસના ૩૦ રૂપિયા ..

 

 

(2) શિવાજીનગરમાં મળતો દારૂનો ભાવ : આઈબી ૨૫૦ રૂપિયા, બીયર ૨૫૦ રૂપિયા, કાચ વાડી બીયર ૩૫૦  રૂપિયા, દેશીદારૂ સંતરા ૧૦૦ રૂપિયા...

 

 

(3) ધીરજ હોસ્પિટલ પાછળ મળતો દારૂનો ભાવ : સંતરા ૮૦ રૂપિયા, માસ્ટર બ્લેન્ડ ૧૮૦ રૂપિયા, આઈબી ૨૩૦ રૂપિયા..

 

 

(4) જમાદાર ફળિયું/ડેપો ફળિયુંમાં મળતો દારૂનો ભાવ : આઈબી ૨૫૦ રૂપિયા, બીયર ૩૩૦ રૂપિયા, સંતરા ૧૧૦  રૂપિયા...

 

 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application