Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગરમાં લાંચ માંગનાર બે કલાર્ક સામે એસીબીએ બંને સામે ગુનો દાખલ કર્યો

  • March 19, 2025 

ગાંધીનગરના સહયોગ સંકુલમાં આવેલી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગની કચેરીમાં ફરજ બજાવતા બે ક્લાર્ક દ્વારા ભાડે રાખવામાં આવેલી કારનું બિલ પાસ કરાવવા માટે પંદરસો રૂપિયા અને દારૃની બોટલની માગણી કરવામાં આવતા ગાંધીનગર એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે એસીબી દ્વારા આ બંને સામે ગુનો દાખલ કરીને હવે ધરપકડ માટે મથામણ શરૂ કરવામાં આવી છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કોઈપણ સરકારી કામ કરાવવા માટે અરજદારને રૂપિયા આપવા પડતા હોય છે ત્યારે હવે તો સરકારમાં જ કામ કરનાર કોન્ટ્રાક્ટર હોય કે અન્ય વ્યક્તિઓ તેમને પણ તેમના બિલ પાસ કરવા માટે રૂપિયા આપ્યા વગર ચાલતું નથી. આ સ્થિતિમાં આવા લાંચિયા અધિકારીઓ સામે એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે.


તેમ છતાં સુધરતા નથી ત્યારે આ વખતે ગાંધીનગર શહેરના સેક્ટર ૧૧માં આવેલી સહયોગ સંકુલમાં કાર્યરત જાહેર આરોગ્ય બાંધકામ વિભાગમાં ફરજ બજાવતા બે ક્લાર્ક લાંચમાં ૧,૫૦૦ રૃપિયા અને દારૃની બોટલ માગતા પણ શરમાયા ન હતા. જે અંગે મળતી વિગતો પ્રમાણે ફરિયાદીની એક કાર પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કલોલ સબ ડિવિઝન ખાતે ભાડેથી આપવામાં આવી હતી. જેનું સપ્ટેમ્બર ૨૦૧૮નું ૨૬૦૦૦ રૂપિયાનું બિલ કલોલથી ડિવિઝન કચેરી ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યું હતું.


જે બિલ સહયોગ સંકુલ સ્થિત કચેરીમાં પહોંચ્યું હતું. જેના કારણે અહીં ફરજ બજાવતા ક્લાર્ક કાંતિભાઈ ચેલદાસ પટેલ અને ભરતકુમાર ચીમનલાલ પટેલ દ્વારા બિલ પાસ કરાવવા કાર માલિક પાસે ૫૦૦-૫૦૦ રૃપિયા અને દારૃની બોટલની માંગણી કરવામાં આવી હતી ત્યારબાદ રકજકના અંતે ૧૫૦૦ રૃપિયાની લાંચની માગણી કરી હતી. જેના આધારે પુરાવાઓ સાથે ફરિયાદી દ્વારા ગાંધીનગર એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને આ લાંચ માગી હોવાનું ફલિત થતાં આ બંને ક્લાર્ક સામે ગાંધીનગર એસીબી પીઆઇ ડી.એ ચૌધરીએ લાંચ માંગવા સંદર્ભનો ગુનો દાખલ કરાવ્યો હતો ત્યારબાદ હવે આ બંને લાચિયા ક્લાર્કની ધરપકડ માટે દોડધામ શરૂ કરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application