ભારતીય વિચાર મંચ (ગાંધીનગર) ના યુવા આયામ (YAGNA- Youth Awareness for Greater National Awakening) દ્વારા "સોશિયલ મીડિયાની સકારાત્મકતા" વિષય પર વિચાર ગોષ્ઠિનું આયોજન વિદ્યાભારતી પ્રશિક્ષણ કેન્દ્ર, સેક્ટર 22, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું. જેમાં વક્તા તરીકે શ્રી સંજયભાઈ થોરાત (અધ્યક્ષ- પારસમણિ ફાઉન્ડેશન, પૂર્વ અધ્યક્ષ-ગાંધીનગર સાહિત્ય સભા, કટાર લેખક- નવગુજરાતસમય અને ગાંધીનગર સમાચાર) ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં ભારતીય વિચાર મંચ- ગાંધીનગર કેન્દ્રના ઉપાધ્યક્ષશ્રી દિપકભાઈ રાઠોડ એ પુસ્તક આપીને તેમનું સ્વાગત અભિવાદન કર્યું હતું. સંજયભાઈ થોરાતે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજના સમયમાં દરેક વય, દરેક ક્ષેત્રના વ્યક્તિ સોશિયલ મીડિયાનો સાથે જોડાયેલા છે. મોબાઇલ એ આજે ઘરના એક સભ્ય તરીકે સ્થાન લઈ લીધું છે.
તેમણે સ્વ અનુભવોથી લઈને તેમની આસપાસની બનતી ઘટનાઓમાં સોશિયલ મીડિયા કઈ રીતે ઉપયોગી બન્યું તેની વાત કરી હતી. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટેલિગ્રામ, ઝૂમ સહિતની એપ્લિકેશનના ફાયદા અને તેના થકી સમાજમાં સકારાત્મક પરિણામો કઈ રીતે મેળવ્યા અને મેળવી શકાય તેની માહિતી આપી હતી. પત્ર, ટેલીફોન, મોબાઇલ થી માંડીને આજની લેટેસ્ટ ટેકનોલોજીના ઉદાહરણ આપ્યા હતા. સોશિયલ મીડિયા થકી સમાજ સેવાના કાર્યો જેવા કે રક્તદાન, આરોગ્ય ક્ષેત્રે મદદ, જરૂરિયાતમંદ વ્યક્તિને આર્થિક મદદ, અન્નની મદદ સહિતની અનેક સેવાઓ કઈ રીતે પહોંચાડી શકાય તેના ઉદાહરણો પણ આપ્યા હતા. આ કાર્યક્રમમાં દરેક વયના લોકો ઉપસ્થિત રહ્યા હતા. દરેકે પોતાના જીવનમાં સોશિયલ મીડિયાનો કઈ રીતે સકારાત્મક ઉપયોગ કર્યો અને વધુ થઈ શકે તેની વાત કાર્યક્રમના અંતે ચર્ચા દરમિયાન કરી હતી. આ કાર્યક્રમના અંતે આભાર વિધિ ભારતીય વિચાર મંચ, ગાંધીનગર કેન્દ્રના મંત્રી અભિષેક બારડે કરી હતી તેમજ કાર્યક્રમનું સફળ સંચાલન સહમંત્રી ડૉ. અજયભાઈ રાવલે કર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500