નવસારીનાં ખેરગામના જામનપાડા દાદરી ફળિયા પાસે ખેરગામના બહેજ ગામે લગ્નનાં પીઠીના પ્રસંગે જતા ચીખલીના રૂમલા ગામના હનુમાન ફળિયાનો છોટા હાથી ટેમ્પો રોડ ઉપરથી નીચે ઉતરીને પલટી જતા ૧૮થી વધુ મહિલાને ઈજા થતા સારવાર માટે ૧૦૮ મારફતે અને ખાનગી કારમાં ખેરગામ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જયાં ૧૫ને સામાન્ય ઈજા હોવાથી સારવાર આપીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જયારે ૩ને ગંભીર ઈજા હોવાથી સારવાર માટે વલસાડ રિફર કરાયા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
મળતી માહિતી અનુસાર, ચીખલીનાં રૂમલા ગામના હનુમાન ફળિયાની મહિલાઓ અને પુરુષ ખેરગામના બહેજ ખાતે તેમના સંબંધીને ત્યાં લગ્નની પીઠીના કાર્યક્રમમાં જતા હતા. તે સમયે ખેરગામ તાલુકાનાં જમનપાડા દાદરી ફળિયા ફાટક પાસે છોટા હાથી ટેમ્પો રોડ ઉપરથી ઉતરીને અચાનક પલટી જતા ટેમ્પોમાં બેસેલી મહિલાઓ ટેમ્પોમાંથી ખેતરમાં પટકાઈ હતી. આ અકસ્માત સમયે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો-રાહદારીઓ અને સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. આ દરમિયાન કાકડવેરીના આગેવાન દયાનંદ પટેલે ઈજાગ્રસ્તોને જોતા તાત્કાલિક ૧૦૮ને ફોન કરતા ૧૦૮ની બે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ ઉપર આવી હતી. ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફતે અને દયાનંદ પટેલે પોતાની કારમાં ખેરગામની રેફરલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.
ખેરગામ રેફરલ હોસ્પિટલ ખાતે તમામ ઇજાગ્રસ્તોને સારવાર કરવામાં આવી હતી. જેમાં ૧૫ને સામાન્ય ઈજા પહોંચી હોય તેમને સારવાર આપી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. જ્યારે ત્રણને વધુ સારવારની જરૂર હોવાથી હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર દિવ્યાંગ પટેલે રિફર કરવાની સલાહ આપી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અકસ્માતમાં રાની નારણ માહલા, અરુણા સુમન ચૌધરી, મણિ શુક્કર થોરાત, લીલા છના ચૌધરી, શાંતા રમણ થોરાત, દક્ષા ગણેશ દેશમુખ, ઝણકી છના થોરાત, ઉર્મિલા નિલેશ ગવળી, ચેતના સુરેશ ગાયકવાડ, મીરા નાગજી દેશમુખ, મંજુ ધીરુ માહલા, લીલા દિનેશ ગાવિત, નયના સુરેશ માહલા, નિરુ નટુ માહલા, જાણવી વિપુલ ચૌધરી, પાર્વતી જયંતિ ચૌધરી, મગન સુખા ચૌધરી, ભાવિની વિપુલ ચૌધરી અને વિપુલ જયંતિ ચૌધરીને ઈજા થઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500