Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સેમિનાર યોજાયો

  • February 08, 2025 

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દેડિયાપાડા કોલેજના IQAC અને રિસર્ચ સેલના સંયુક્ત ઉપક્રમે તા. 3/02/2025ને સોમવારના રોજ “આદિવાસી : સમાજ, સંસ્કૃતિ અને સાહિત્ય” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. આ સેમિનારના ઉદ્ઘાટન સત્રના અધ્યક્ષ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપળાના કુલપતિશ્રી ડૉ. મધુકર પાડવી દ્વારા વર્તમાન પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને આદિવાસી સમાજ, સંસ્કૃતિ અને સાહિત્ય વિશે વિગતવાર માહિતી આપી હતી.


જ્યારે પ્રખર સંપાદક-સંશોધક અને સર્જક એવા ડૉ. ભગવાનદાસ પટેલે “આદિવાસી લોકસાહિત્યના સંશોધન-સંપાદનના પડકારો” વિષય પર ચિંતનલક્ષી વક્તવ્ય આપ્યું હતું. સેમિનારના પ્રથમ સત્રમાં ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના ઈતિહાસ વિભાગના પ્રોફેસરશ્રી ડૉ. અરુણ વાઘેલાએ “ભારતના આદિવાસીઓનો સાંસ્કૃતિક વારસો” વિષય પર વિગતવાર અને જ્ઞાનસભર માહિતી આપી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સત્રમાં એમ.એલ.એસ.યુ.ઉદેપુર રાજસ્થાનના ઈતિહાસ વિભાગના મદદનીશ પ્રાધ્યાપકશ્રી ડૉ.મનીષ શ્રીમાળી દ્વારા “ભારતીય આદિવાસી સમાજ : વર્તમાન પરિપ્રેક્ષ્યમાં” વિષયને ધ્યાનમાં રાખીને વર્તમાન આદિવાસી સમાજની પરિસ્થિતિનો સુપેરે પરિચય આપ્યો હતો.


વર્તમાન સમયમાં બદલાતાં જતાં પ્રવાહોમાં આદિવાસી સંસ્કૃતિએ પોતાને અક્ષુણ્ણ ટકાવી રાખવા જે પ્રયત્નો કરે છે તે વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. “દક્ષિણ ગુજરાતનું આદિવાસી લોકસાહિત્ય” વિષય પર સંશોધક અને સર્જક ડાહ્યાભાઈ વાઢુએ વિસ્તૃત માહિતીસભર જ્ઞાન પીરસ્યું હતું. તેમણે દક્ષિણ ગુજરાતના આદિવાસી લોકસાહિત્યનો વિસ્તારથી પરિચય આપ્યો હતો. બીજી બેઠક દરમિયાન ઉપસ્થિત રહેલા પ્રાધ્યાપકો તથા સંશોધનાર્થીઓએ પોતાના શોધપત્રો રજૂ કર્યા હતા. જેમાં ઓનલાઈન જોડાયેલા તથા વિવિધ કૉલેજમાંથી ઉપસ્થિત રહેલ અધ્યાપકો તથા સંશોધનાર્થીઓ દ્વારા શોધપત્રોનું વાંચન કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application