તાપી જિલ્લામાં ચોમાસા દરમિયાન પુર જેવી કુદરતી કે અન્ય આપત્તિ સર્જાય તો કઇ રીતે ઝડપથી બચાવ અને રાહતની કામગીરી કરી જાનહાની ટાળી શકાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે વ્યારા તાલુકાના કાળા વ્યારા ગામે તાપી નદીના પટમાં તાજેતરમાં આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા કુદરતી આફત સંબંધિત મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચોમાસા દરમિયાન જિલ્લામાં પુરની પરિસ્થિતીમાં લોકોના તણાઈ જવા સાથે બનતી અન્ય આકસ્મિક ઘટનાઓમાં તાકિદે લેવાના થતા પગલાઓ અંગે જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા વ્યારા તાલુકાના કાળા વ્યારા ગામે તાપી નદી કિનારે પુર સમયે બચાવ કામગીરીની સફળ મોક્ડ્રીલનું આયોજન કરાવામાં આવ્યું હતું. જેમાં કાળા વ્યારા ખાતે તાપી નદીમાં એક વ્યક્તિ પુરમાં તણાતા ડુબી રહ્યો હતો. આ સમાચાર કંટ્રોલ રૂમને મળતાં તાત્કાલીક રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક તરવૈયઓ સાથે મળી બોટ લઇ સ્થળે પોહચી યુવાનને બચાવવામાં આવ્યો હતો. યુવાનને ટીમે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત દવાખાને પહોંચાડવામાં આવ્યો હતો.
યુવાનના બચાવ બાદ વ્યારા મામલતદાર બી.બી.ભાવસારે પુર સમયે રાખવાની સાવચેતી અંગે વિગતવાર સમજુતી આપી ઉપસ્થિત ટીમની કામગીરીની સરાહના કરી હતી. આ મોક્ડ્રીલમાં આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ સ્થાનિક ગામના આગેવાનો, સરપંચ, તલાટી, સ્થાનિક તરવૈયા, નગરપાલિકા ફાયર વિભાગ ટીમ ઉપસ્થિત રહી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500