સોનગઢ ખાતે રહેતાં અને મૂળ રાજસ્થાન એક શ્રમજીવી યુવકને સસ્માં મહેન્દ્ર બોલેરો કાર આપવાના બહાને એક ઈસમે એડવાન્સ રૂપિયા માંગી બાદ મોબાઈલ બંધ કરી દીધો હતો. બનાવ અંગે ભોગ બનેલ યુવકે સોનગઢ પોલીસ મથકે રૂપિયા 1,57,000/-ની છેતરપિંડી બાબતે અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સોનગઢ ખાતે યુ.પી. નગરમાં રહી માર્બલ બેસાડવાની મજૂરીનું કામ કરતાં સુરેન્દ્રસિંગ ગોવર્ધનસિંગ શેખાવત નાઓ છેરતપિંડીનો ભોગ બન્યાં હતાં. તેઓ ગત તારીખ 23મી એ ઘરે હતાં.
ત્યારે રાજસ્થાનથી તેમના નાના ભાઈનો કોલ આવ્યો હતો કે, તને એક ફેસબૂક ID અને મોબાઈલ નંબર મોકલ્યા છે. એમની મહેન્દ્ર બોલેરો કાર વેચવાની છે અને આપણે લેવાની છે. જેથી સુરેન્દ્રભાઈએ ફેસબુક પર આપવામાં આવેલ નંબર પર સંપર્ક કરતાં સામેથી એક ઈસમે પોતાનું નામ બાલા રામ હુકમા રામ રહેવાસી ઉદનસરી જી સિકર જણાવ્યું હતું અને કહ્યું કે, હું આર્મીમાં નોકરી કરું છું અને હાલ કાશ્મીરમાં ડ્યુટી પર છું. હાલ મારે રૂપિયાની જરૂર હોવાથી મારી બોલેરો કાર રૂપિયા 1,70,000/-મા આપી દેવાની છે અને વાત વાતમાં અજાણ્યા ઈસમે સુરેન્દ્રભાઈનો વિશ્વાસ સંપાદન કરી ગાડી વેચાણનો સોદો પાકો કરી એડવાન્સ રકમ માંગી હતી અને કારના ડોક્યુમેન્ટ વોટ્સએપ પર મોકલી દીધાં હતાં.
જેથી સુરેન્દ્રભાઈએ શરૂઆતમાં રૂપિયા 23,000/- બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતાં. ત્યારબાદ જુદા-જુદા બહાને રૂપિયા માંગતો હોય ગૂગલ પે, ફોન પે અને પેટમના માધ્યમથી ટુકડે ટુકડે મળી કુલ રૂપિયા 1,57,000/- ખાતામાં મોકલી દીધાં હતાં. જોકે થોડાં જ સમય બાદ જે મોબાઈલ નંબરથી વાત ચાલતી હતી એ નંબર બંધ થઈ ગયો હતો અને સુરેન્દ્રભાઈને પોતે છેતરાયા હોવાનું ભાન થયું હતું. આખરે સોનગઢ પોલીસ મથકે બાલારામ હુકમારામ નામના અજાણ્યા ઈસમ સામે રૂપિયા 1,57,000/-ની રકમ છેતરપિંડીથી મેળવી લેવા બાબતે ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500