પુણેમાં સ્વારગેટ બસ સ્ટેન્ડ ખાતે વહેલી સવારે શિવશાહી બસમાં 26 વર્ષીય યુવતી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ગુનાહિત રેકોર્ડ ધરાવતા 36 વર્ષીય ફરાર આરોપી દતાત્રય રામદાસ ગાડેને પકડવા પોલીસની આઠ ટીમ બનાવવામાં આવી છે. યુવતીને વાતોમાં ભોળવીને બસમાં લઇ જતા આ નરાધમ સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયો હતો. આ બનાવ પ્રકાશમાં આવ્યા બાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ટીમ ડોગ સ્કવૉડ તપાસ માટે પહોંચી ગઇ હતી. સ્વારગેટ પોલીસ સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, શંકાસ્પદ દત્તાત્રય રામદાસ ગાડે (ઉ.વ.36) વિરૂદ્ધ ચોરી અને ચેન સ્નેચિંગના કેસ નોંધાયેલા છે.
સ્વારગેટ મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમના સૌથી મોટા બસ જંકશનમાંનું એક છે. પીડિત મહિલાના જણાવ્યા મુજબ સ્વારગેટ બસ સ્ટેન્ડ પાસે મંગળવારે સવારે 5.45 વાગ્યાની આસપાસ સાતારા જિલ્લાના ફલટણ જવા માટે આવી હતી. તે બસની રાહ જોઇ રહી હતી. ત્યારે એક શખસ તેની પાસે આવ્યો હતો તેને દીદી કહીને વાતચીતમાં વ્યસ્ત કરી હતી. તેણે સાતારાની બસ બીજા પ્લેટફોર્મ પર આવી ગઇ હોવાનું કહ્યું હતું. યુવતીએ તેની વાત પર વિશ્વાસ કર્યો હતો. ત્યારબાદ તે યુવતીને વિશાળ બસ સ્ટેન્ડ પરિસરમાં બીજી જગ્યાએ પાર્ક કરેલી ખાલી શિવશાહી AC બસમાં લઇ ગયો હતો. બસની અંદરની લાઇટ ચાલું ન હોવાથી શરૂઆતમાં યુવતી અંદર જવામાં અચકાઇ હતી.
પરંતુ આરોપી ખાતરી આપી કે, તે યોગ્ય બસ છે. તેણે આરોપીને કહ્યું કે, બસમાં અંધારું છે ત્યારે ગાડેએ જણાવ્યું કે બસ રાતે આવી ગઇ હતી. લોકો સૂઇ રહ્યા હોવાથી અંધારું છે. આમ તેણે યુવતીને બસની અંદર જઇ ટોર્ચથી તપાસ કરવા મનાવી લીધી હતી. યુવતી અંદર ગઇ ત્યાર બાદ આરોપી તેની પાછળ બસમાં ગયો હતો. તેણે બસનો દરવાજો બંધ કરી દીધો હતો અને યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે સીસીટીવીની ફૂટેજ પરથી આરોપી ગાડેની ઓળખ કરી લીધી છે. તેને શોધવા માટે ઘણી ટીમો બનાવવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સ્માર્તના પાટીલે પત્રકારોને જણાવ્યું હતું કે, સીસીટીવી ફૂટેજમાં આરોપી સાથે મહિલા બસ તરફ જતાં જોવા મળી હતી.
આ ઘટના બની ત્યારે બસ સ્ટેશન પરિસરમાં ઘણાં લોકો અને ઘણી બસો હતી. આ બનાવ પછી મહિલાએ તરત જ પોલીસનો સંપર્ક કર્યો ન હતો. પરંતુ તે ફલટણ જવાની બસમાં બેસી ગઇ હતી. પ્રવાસ દરમિયાન ફ્રેન્ડને બળાત્કારની જાણ કરી હતી. ફ્રેન્ડની સલાહ બાદ બસમાંથી ઉતરીને પોલીસ સ્ટેશનમાં ગઇ હતી. પીડિતાની હાલત સ્થિર છે. તેણે પોલીસને સ્પષ્ટ નિવેદન આપ્યું હતું. જેના આધારે ભારતીય ન્યાય સંહિતા હેઠળ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. ભૂતકાળમાં ગાડે વિરૂદ્ધ પુણેના શિકરાપુર અને શિરુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયેલા છે. ફરાર આરોપીની માહિતી મેળવવા સ્નિફર ડોગને બોલાવવામાં આવ્યા હતા. એમ ડીસીપીએ વધુમાં કહ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500