સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકાના માસમા-ઓરમા રોડની એક સોસાયટીમાં થૂંકવા જેવી નજીવી બાબતે બે પરિવારો વચ્ચે લોખંડના સળિયા અને લાકડા વડે ફટકાબાજી થઈ હતી. જોકે પરિવારે ઓલપાડ પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાવી હતી. જ્યારે બન્ને પરિવાર બાબતની આ સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, માસમા ગામની સીમમાં ઓરમા રોડ ઉપર આવેલી સિલ્વર પાર્ક સોસાયટીમાં મૂળ હાંસોટ તાલુકાના શૈલેષ ચંદુભાઈ પરમાર ઘર નં.૨૧૮માં પરિવાર સાથે રહે છે. તે ફોટોગ્રાફર છે અને પત્ની સીમીબેન સ્કૂલમાં શિક્ષિકાની નોકરી કરે છે.
જ્યારે આ સોસાયટીના ઘર નં.૦૭ અને ૭૭માં મૂળ ઉત્તરપ્રદેશ રાજ્યના વતની શિવશંકર રામપતિ દુબે (ઉ.વ.૬૩) તેના પરિવાર સાથે રહે છે. ગત સોમવારના રોજ બપોરે શૈલેષ પરમારે શિવશંકર દુબેને તેના ઘરની સામે પાન-માવો ખાઈને થૂંકવાનું ના પાડવા છતાં તે ત્યાં થૂંક્યો હતો. એટલું જ નહીં પણ તે ઘરની લાઈનમાં પાર્ક કરેલી ઈકોમાં બેસી શૈલેષને ગાળો આપી ઝઘડો કર્યો હતો. આ ઝઘડામાં શિવશંકરે તેના બંને પુત્રો મનીષ અને અનિલને ફોન કરી બોલાવતા હતા. ત્યારે બંને પુત્રો સાથે તેની પત્ની મનોરમાદેવી અને પુત્રવધૂ સોનુ પણ દોડી આવી હતી. તેઓએ પણ શૈલેષ સાથે ગાળાગાળી અને ઝપાઝપી કરી હતી અને શિવશંકર શૈલેષને ઢીકમુક્કીનો મારમાર્યો હતો.
આ સમયે સોસાયટીના મ.નં.૨૧૮માં રહેતો શૈલેષનો મિત્ર હિતેશ કાંતિલાલ ગજ્જર અને તેની સાસુ મીનાબેન દિલીપભાઈ ગરૂડ પણ દોડી આવતાં મનોરમાદેવી અને પુત્રવધૂ સોનુએ મીનાબેન ગરૂડને ધક્કો મારી નીચે પાડી માર માર્યો હતો. જયારે શિવશંકરનો પુત્ર મનિષે હિતેશ ગજજરને લોખંડના સળિયાથી પીઠના ભાગે ફટકો મારી ઢીકમુક્કીનો માર માર્યો હતો. આ ઉપરાંત આરોપી પરિવારે ફરિયાદી પક્ષના તમામ ઇસમોને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
જોકે આ બબાલ મામલે શિવશંકર દુબેએ પણ શૈલેશ પરમાર સહિત તેની પત્ની સીમીબેન, મિત્ર હિતેશ ગજ્જર અને તેની સાસુ મીનાબેન ગરુડ વિરુદ્ધ સામી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, આ આરોપીઓએ ઘરની સામે વૃક્ષ રોપવાની જગ્યામાં પાનમાવો ખાઈને થૂંકવાનું ના પાડતા તેની સાથે લડાઈ-ઝઘડો કરી ઢીક-મુક્કીનો માર માર્યો હતો. જ્યારે તેના મિત્ર હિતેશ ગજ્જર અને તેની સાસુ મીનાબેન ગરૂડે તેની પત્ની સીમીબેને તેમની પુત્રવધૂ સોનીબેનના ડાબા ખભા ઉપર લાકડીના સપાટાથી ફટકો મારી ઈજા કરી તેમના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે શૈલેષ પરમાર અને શિવશંકરે ઓલપાડ પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાવી હતી. આમ, પોલીસે બંને પરિવારના સભ્યો સામે ગુનો નોંધ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500