Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાર્ટ ટાઈમ કામ કરવાની લાલચ આપી યુવક સાથે રૂપિયા 6.22 લાખની છેતરપિંડી કરનાર અજાણ્યા સામે ગુનો દાખલ

  • July 25, 2023 

ગાંધીનગર જિલ્લામાં યુવકનાં બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કરાવી 6.22 લાખની છેતરપિંડી કરવામાં આવતાં યુવકે ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગાંધીનગરમાં સુઘડ ગામે રહેતા ધીરેન્દ્ર માનસિંહ સરાધનાને મોબાઈલ પર અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો અને તેને બાલાજી ટેલીકોમ કંપનીમાંથી બોલતો હોવાનું જણાવી ઓનલાઈન પાર્ટ ટાઈમ કામ આપવાની વાત કરીને એક વેબસાઇટ લોગીન કરાવી હતી. જેમાં વેબસાઇટ પર મૂવીના રેટીંગ અને રીવ્યુ આપવાની વાત કરી હતી. જેના પર તેમને દરરોજ કમિશન મળશે. વધુ વાત કરતાં અજાણ્યા શખ્સે બાલાજી ટેલીફીલ્મ લીમીટેડના નામનું એગ્રીમેન્ટ અને સ્ટોક એક્સચેન્જની વિગતો મોકલીને ધીરેન્દ્રને વિશ્વાસમાં લીધો હતો.



ત્યારબાદ શખ્સે મોબાઈલ પર એક લીંક મોકલતા ધીરેન્દ્રએ ઓપન કરતા તેઓ ટેલીગ્રામ એપમાં એડ થઇ ગયા હતા. જેમાં જુદા-જુદા ટાસ્કની વિગતો જણાવેલ અને જુદા-જુદા બેંક એકાઉન્ટ નંબર મોકલેલ અને ટાસ્ક પેટેના રૂપિયા તેમા જમાં કરાવવાનું કહેતા રૂપિયા 8000 જમા કરાવ્યા હતા ત્યારબાદ શખ્સે યુઝર આઈ.ડી.માં બેલેન્સ પેટે 8000 તથા 2000 બોનસ પેટે એમ કુલ રૂપિયા 10 હજારનું બેલેન્સ બતાવ્યુ હતું. જોકે બાદમાં ટાસ્ક પૂરો કરશો પછી જ તમામ રકમ તમારા ખાતામાં જમા થશે તેવી વાત કરી હતી. ત્યારબાદ અલગ-અલગ સમયે ખાતામાં ફરિયાદીએ રૂપિયા 6,22,470 જમા કરાવ્યા હતા. જોકે ત્યારબાદ ધીરેન્દ્રને છેતરાયાનો અહેસાસ થયો હતો અને આ અંગે ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application