સમગ્ર દેશમાં ડ્રગ્સ કન્ટ્રોલર અધિકારીઓ દ્વારા દવાઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેના રિપોર્ટ ચોંકાવનારા આવ્યા છે. સ્ટેરોઇડ અને કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવાઓ સહિત લગભગ 84 દવાઓની ગુણવત્તા નિર્ધારિત માપદંડથી ઓછી હતી. દવાઓની ટેસ્ટિંગ કરનારી એજન્સી સીડીએસસીઓ(સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન)એ આ અંગે એલર્ટ જારી કરી છે. સીડીએસસીઓ દર મહિને બજારમાં વેચવામાં આવતી ઓછી ગુણવત્તાવાળી દવાઓ અંગે એલર્ટ જારી કરે છે. ૨૦૨૪ના પોતાના નવા આંકડાઓ અનુસાર તેમણે વિવિધ કંપનીઓ દ્વારા નિર્મિત દવાઓની ૮૪ બેન્ચોમાં ઓછી ગુણવત્તા જોવા મળી હતી.
જેમાં એસિડિટી, હાઇ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને ઇન્ફેકશન જેવી સામાન્ય સ્થિતિઓ માટે કેટલીક દવાઓ સામેલ છે. એનએસક્યુના સ્વરૂપમાં દવાના નમૂનાઓની ઓળખ એક અથવા બીજા નિર્દિષ્ટ ગુણવત્તા માપદંડોમાં દવાના નમૂનાઓની નિષ્ફળતાને આધારે કરવામાં આવે છે. એનએસક્યુ અને નકલી દવાઓની ઓળખની આ કાર્યવાહી રાજ્ય નિયામકોના સહયોગથી નિયમિત આધારે કરવામાં આવે છે જેથી આ દવાઓની ઓળખ કરી શકાય અને તેમને બજારમાંથી દૂર કરી શકાય. તાજેતરમાં સીડીએસસીઓએ ટેસ્ટિંગ માટે નવા દિશા નિર્દેશ રજૂ કર્યા છે.
તેમાં જણાવવામાં આવ્યું છે કે તમામ ડ્રગ ઇન્સપેક્ટરે એક મહિનામાં ઓછામાં ઓછા ૧૦ નમૂના એકત્ર કરવા જોઇએ. દુખાવાને દૂર કરવા અને માંસ પેશીઓને આરામ આપવા માટે ઉપયોગમાં લેવામાં આવતી ટેપેંટાડોલ અને કેયરસોપ્રોડોલનો ઉપયોગ હવે નશા માટે કરવામાં આવે છે. જેને ધ્યાનમાં રાખીને આ બંને દવાઓના સંયોજનના નિર્માણ અને નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવાનો આદેશ આપવામાં આવ્યો છે. ડ્રગ્સ કન્ટ્રોલ જનરલે તમામ પ્રદેશોના ડ્રગ્સ કન્ટ્રોલર ઓથોરિટીને પત્ર મોકલી દીધો છે. પશ્ચિમ આફ્રિકાના દેશોમાં મોકલવામાં આવતી આ દવાઓનો નશા તરીકે ઉપયોગ થતો હોવાના અહેવાલ પછી આ કાર્યવાહી કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500