તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:અદાલત અને પોલીસના વ્યાપક પ્રયાસો અને હુકમો છતાં પણ પત્નીને ભરણપોષણની રકમ નહી આપનાર પતિને સોનગઢ ફેમેલી કોર્ટ દ્વારા 1140 દિવસની કેદની સજા અને રૂપિયા 1,18,100/- ચુકવણી કરે તો તેને તેજ તારીખથી જેલ મુક્ત કરવાનો આદેશ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે.
સોનગઢ ખાતે આવેલ ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ શ્રી જે.એ.રાણા દ્વારા આ ચુકાદો અપાતાં આરોપીને તકસીરવાર ઠેરવીને તેને 1140 દિવસની કેદમાં બેસાડવા માટેનો આદેશ કરાયો હતો.આ પ્રકરણમાં સજા પામેલા આરોપી ઉકેશભાઈ બાબુભાઈ ગામીત રહે,બંધારપાડા ફળિયું,રૂપવાડા-સોનગઢ સામે તેમનાં પત્ની અલકાબેન ઉકેશભાઈ ગામીત દ્વારા 7/2/2012 નારોજ ભરણપોષણ માટેની અરજી કરાઇ હતી.જેમાં અદાલતે પતિ દ્વારા પત્નીને ભરણપોષણ ચૂકવવામાં આવે તેવો આદેશ કર્યો હતો,પણ તહોમતદાર દ્વારા રકમ આપવામાં આવી ન હતી, જેના કારણે કોર્ટમાં વસૂલાત અરજી કરાઇ હતી.આ અનુસંધાને કોર્ટ દ્વારા નોટિસ કરાયા છતાં રકમ ભરપાઇ કરવામાં આવી ન હતી.આ પછી કોર્ટે આરોપીનું વોરંટ કાઢ્યું હતું.આ વોરંટની બજવણી થવા ન દેવાતાં અંતે પોલીસને સાથે રાખીને હાથોહાથ બજવણી કરવામાં આવી હતી.પોલીસ સમક્ષ પણ રકમ ચૂકવવાની ના પાડનારા આરોપીને બાદમાં કોર્ટ સમક્ષ પેશ કરાયો હતો,જ્યાં પણ રકમ ચૂકવવા માટે ના પડાતાં અંતે અદાલતે 1140 દિનની સજા ફટકારતો આદેશ કરી તહોમતદારને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.અને રૂપિયા 1,18,100/- ચુકવણી કરે તો તેને તેજ તારીખથી જેલ મુક્ત કરવાનો આદેશ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે.આ કેસમાં અરજદાર અલકાબેન ગામીતના વકીલ તરીકે અહીંના આર.એન.દેસાઈ રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500