સતત બદલાતા મોસમની માઠી અસર ઉનાળુ વાવેતર પર પડી છે. વાવેતર કર્યા પછી નુકસાની વેઠવાની આવે તેવા ભયથી કલોલ અને માણસા તાલુકાનાં ખેડૂતોએ ઉનાળુ વાવેતરમાં રસ ઘટાડયો છે. પરિણામે માર્ચ મહિનો ઉતરવા આવ્યો છતાં જિલ્લાનું વાવેતર 91 ટકાએ પહોચ્યું હોવા છતાં કલોલ તાલુકામાં કુલ વાવેતર 47 ટકા અને માણસા તાલુકામાં કુલ વાવેતર 64 ટકા પર જ પહોંચ્યુ છે. ગ્લોબલ વોમગની માઠી અસરો હવે સ્થાનિક બની રહી છે. રાજ્ય અને ગાંધીનગર જિલ્લામાં દેખાઇ રહી છે. ત્યારે ઉનાળુ વાવેતરમાં દહેગામ તાલુકો 116 ટકા પર પહોંચી ગયો છે અને ગાંધીનગર તાલુકો પણ 109 ટકા પર પહોંચ્યો છે.
આમ છતાં કલોલ અને માણસા તાલુકામાં વાવેતરમાં સરેરાશ નહીં જળવાઇ હોવાના કારણે જિલ્લાની છેલ્લા ત્રણ વર્ષની 23,187 હેક્ટરમાં વાવેતરની સરેરાશ સામે આ વર્ષે હજુ સુધી 21,081 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. સરેરાશથી વધુ વાવેતર કરવામાં અગ્રિમ રહેલા દહેગામ તાલુકામાં 7,890 હેક્ટરની સરેરાશ સામે 9,130 હેક્ટરમાં થયેલા વાવેતરમાં સૌથી વધુ બાજરીનું 4,261 હેક્ટરમાં, ઘાસચારાનું 2,837 હેક્ટરમાં, શાકભાજીનું 2,003 હેક્ટરમાં મગનું 16 હેક્ટરમાં ડાંગરનું 11 હેક્ટરમાં તથા મગફળી અને તલનું 1-1 હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે ગાંધીનગર તાલુકામાં 6,054 હેક્ટરની સરેરાશ સામે 6,599 હેક્ટરમાં થયેલા વાવેતરમાં સૌથી વધુ ઘાસ ચારાનું 3,132 હેક્ટરમાં, બાજરીનું 1,885 હેક્ટરમાં, શાકભાજીનું 1,572 હેક્ટરમાં મગફળી અને તલનું 5-5 હેક્ટરમાં વાવેતર થયું છે.
માણસા તાલુકામાં 6,104 હેક્ટરની સરેરાશ સામે 3,889 હેક્ટરમાં થયેલા વાવેતરમાં સૌથી વધુ ઘાસચારાનું 2,801 હેક્ટરમાં, શાકભાજીનું 721 હેક્ટરમાં, બાજરીનું 367 હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે કલોલ તાલુકામાં 3,139 હેક્ટરની સરેરાશ સામે 1,463 હેક્ટરમાં થયેલા વાવેતરમાં સૌથી વધુ ઘાસચારાનું 1,107 હેક્ટરમાં, બાજરીનું 307 હેક્ટરમાં, અને ડાંગરનું 49 હેક્ટરમાં વાવેતર થયું છે. ગાંધીનગર જિલ્લામાં શિયાળુ પાકનું વાવેતર બમ્પર થયુ હતું. જેના કારણે ઉનાળુ વાવેતર પણ વધવાની આશા બંધાઇ હતી. પરંતુ શિયાળુ પાક લણવાના સમયે જ માવઠાના પગલે બટાટા અને ઘઉંના પાકને નુકશાન થયુ હતું. ત્યાર બાદ માવઠાવાળી ચાલુ જ રહેવાના કરાણે ઉનાળુ વાવેતર વિલંબિત થઇ રહ્યું છે. વધારામાં હજુ પણ આગામી દિવસોમાં માવઠાની આગાહીઓ થઇ હોવાથી જગતનો તાત ચિંતામાં મુકાયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500