સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભા ખંડમાં ૪૪મી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં વાસ્મોની કામગીરીની સમીક્ષા કરી કલેકટરએ વાસ્મોની ૫૨ યોજનાઓમાં રૂ.૪.૧૧ કરોડના સુધારેલી વહીવટી મંજૂરી આપી હતી. સુરત જિલ્લાના વિવિધ તાલુકાના ૫૨ ગામોની પ્રગતિ હેઠળની યોજનાઓમાં સુધારા કરવાની જરૂર પડતા આયોજિત આ બેઠકમાં સભ્ય સચિવ અને યુનિટ મેનેજરએ પ્રેઝન્ટેશન આપતાં જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં રૂા.૨૨૮૦૭ લાખના ખર્ચે મંજુર થયેલી યોજનાઓમાં બારડોલી તાલુકામાં ૧૫૬, ચોર્યાસીમાં ૪૪, કામરેજમાં ૮૬, મહુવામાં ૧૫૩, માંડવીમાં ૨૬૭, માંગરોળમાં ૧૭૨, ઓલપાડમાં ૧૧૨, પલસાણામાં ૭૪ અને ઉમરપાડા તાલુકામાં ૧૭૯ મળી કુલ ૧૨૪૩ યોજનાઓનો સમાવેશ થાય છે. જે પૈકી રૂા.૧૭૫૫૭ લાખની ૧૧૮૮ યોજનાઓ પુર્ણ થઈ છે.
જેમાં નળ જોડાણ, ટાંકી અને ડિસ્ટ્રીબ્યુશન પાઈપ લાઈન, પમ્પીંગ મશીનરી અને નળ જોડાણ, વીજળીકરણ જેવા કામોનો સમાવેશ થાય છે. જ્યારે ૫૫ યોજનાઓ પ્રગતિ હેઠળ છે. નલ સે જલ યોજનામાં વર્ષ ૨૦૨૨-૨૩ માટે કામરેજ, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ, પલસાણા અને ઉમરપાડા તાલુકામાં ૫૨ યોજનાઓ માટે રૂ.૩૩.૬૭ કરોડ મંજૂર થયા હતા અને તેમા રૂ.૪.૧૧ કરોડનો વધારો કરાયો છે, જે નવી સુધારેલ વહીવટી મંજૂરી સાથે કુલ રૂ.૩૭.૮૦ કરોડ મંજૂર થયા છે. જેમાં કામરેજ તાલુકામાં ૩, મહુવામાં ૧૧, માંડવીમાં ૧૭, માંગરોળમાં ૬, ઓલપાડમાં ૫, પલસાણામાં ૩ અને ઉમરપાડના ૭ ગામો જેમાં ઘર કનેક્શન રિપેરીંગ, નળજોડાણના કનેક્શનમાં વધારો, પાઈપ પ્રાઈઝ વેરિએશનમાં વધારો, પંપીંગ મશિનરી, કેબિન જેવા કામોનો ઉમેરો થયો છે એમ યુનિટ મેનેજરએ જણાવ્યું હતું.
બેઠકમાં કલેકટરએ જણાવ્યું હતું કે, જિલ્લાના છેવાડાના ગ્રામજનો સુધી પીવાનું પાણી પુરતા પ્રમાણમાં મળી રહે તેના માટે તંત્રએ વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવી છે. પાણી પુરવઠા વિભાગ અને વાસ્મોની યોજનાથી સરકાર ઘર-ઘર સુધી પાણી પહોચાડવા માટે પ્રયત્નશીલ છે. તેમણે વાસ્મોની ગત વર્ષની કામગીરી અને જિલ્લાની પીવાના પાણીની સ્થિતિની સમીક્ષા કરી યોજનાઓને ઝડપભેર અને સમય મર્યાદામાં પૂર્ણ કરવાં સૂચનાઓ આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500