આજે દેશના, ગુજરાતની ધરતીના એક મહાન સપૂત આપણા સૌથી ઘણાં દૂર ચાલ્યા ગયા છે. આપણા સૌના પ્રિય, શ્રદ્ધેય કેશુભાઈ પટેલજીના નિધનથી હું દુઃખી છું, સ્તબ્ધ છું. કેશુભાઈનું જવું મારા માટે એક પિતાતુલ્યના જવા જેવું છે. તેમનું નિધન મારા માટે એવી ખોટ છે, જે ક્યારેય પૂરાશે નહીં. લગભગ 6 દશકનું સાર્વજનિક જીવન અને અખંડ રીતે એક જ લક્ષ્ય – રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્રહિત.
કેશુભાઈ એક વિરાટ વ્યક્તિત્વના ધણી હતા. એક બાજુ વ્યવહારમાં સૌમ્યતા અને બીજી તરફ નિર્ણય લેવા માટે દ્રઢ ઈચ્છાશક્તિ તેમની ખૂબ મોટી ખાસિયત હતી. તેમણે પોતાના જીવનની દરેક ક્ષણ સમાજ માટે, સમાજના દરેક વર્ગની સેવા માટે સમર્પિત કરી દીધી હતી. તેમનું દરેક કાર્ય ગુજરાતના વિકાસ માટે હતું, તેમનો દરેક નિર્ણય પ્રત્યેક ગુજરાતીને સશક્ત બનાવવા માટેનો હતો.
એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવનારા આપણા કેશુભાઈ, ખેડૂતના, ગરીબોના દુઃખોને સમજતા હતા, તેમની તકલીફોને સમજતા હતાં. ખેડૂતોનું કલ્યાણ તેમના માટે સર્વોપરી હતું. ધારાસભ્ય હતા, સંસદસભ્ય હતા, મંત્રી હતા કે પછી મુખ્યમંત્રી હતા ત્યારે પણ કેશુભાઈએ પોતાની યોજનાઓમાં, તેમના નિર્ણયોમાં ખેડૂતોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. ગામડાં, ગરિબ, ખેડૂતોના જીવનને સરળ બનાવવા માટે તેમણે કાર્ય કર્યું છે, રાષ્ટ્રભક્તિ અને જનભક્તિના જે આદર્શોને લઈને તેઓ જીવનભર ચાલ્યા, અને તે પેઢીઓ સુધી પ્રેરિત કરતું રહેશે.
કેશુભાઈ ગુજરાતના રંગ – રંગ અને રગ – રગથી પરિચિત હતા. તેમણે જનસંઘ અને ભાજપને ગુજરાતના દરેક ક્ષેત્રમાં પહોંચાડ્યું, દરેક ક્ષેત્રમાં મબજૂત કર્યું. મને યાદ છે, કટોકટીના દિવસોમાં કેવી રીતે કેશુભાઈએ લોકતંત્રની રક્ષા માટે સંઘર્ષ કર્યો, સંપૂર્ણ તાકાત લગાવી દીધી.
કેશુભાઈએ મારા જેવા ઘણા સામાન્ય કાર્યકર્તાઓને ઘણું બધું શીખવાડ્યું, હંમેશા માર્ગદર્શન આપ્યું. પ્રધાનમંત્રી બન્યા પછી પણ હું નિરંતર તેમના સંપર્કમાં રહ્યો. ગુજરાત જતો ત્યારે મને જ્યારે પણ તક મળતી, હું તેમના આશીર્વાદ લેવા માટે ગયો.
હમણાં કેટલાક અઠવાડિયા પહેલા, સોમનાથ ટ્રસ્ટની વર્ચુઅલ બેઠક દરમિયાન પણ મારી તેમની સાથે ઘણા સમય સુધી વાતચીત થઈ હતી અને તેઓ ખૂબ પ્રસન્ન જણાતા હતા. કોરોનાના આ કાળમાં મારી ફોન પર પણ તેમની સાથે ઘણી વાતચીત થઈ હતી, હું તેમના સ્વાસ્થ્યના સમાચાર પૂછતો રહેતો હતો. લગભગ 45 વર્ષનો ગાઢ પરિચય, સંગઠન હોય, સંઘર્ષ હોય, વ્યવસ્થાનો વિષય હોય, આજે એક સાથે ઘણી ઘટનાઓ મને યાદ આવી રહી છે.
આજે ભાજપના પ્રત્યેક કાર્યકર્તા મારી જેમ જ ખૂબ દુઃખી છે. મારી સંવેદનાઓ કેશુભાઈના પરિવાર સાથે છે, તેમના શુભચિંતકો સાથે છે. દુઃખની આ ક્ષણમાં, હું તેમના પરિવારની સાથે સતત સંપર્કમાં છું.
હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે કેશુભાઈને તેમના ચરણોમાં સ્થાન આપે, તેમની આત્માને શાંતિ અર્પણ કરે.
ઓમ શાંતિ!!!
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500